53
ધાનેરાના સાંકડ ગામે ત્રણ માસ અગાઉ થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. સાંકડ ગામે મજૂરી અર્થે આવેલા વેલાભાઈ માજીરાણાની બે શખ્સોએ આડા સંબંધની શંકા રાખી હત્યા કરી તેમના મૃતદેહને જમીનમાં દાટી દીધો હતો. જોકે વેલાભાઈનો પરિવાર વેલાભાઈ ગુમ થઈ ગયા હોવાનું માની રહ્યો હતો. પરંતુ કહેવાય છે “કાનૂન કે હાથ લંબે હોતે હૈ” આખરે પોલીસની તપાસમાં વેલાભાઈ ગુમ નહીં પરંતુ તેમની હત્યા થઈ હોવાનું ખુલતા પોલીસે તપાસ કરી અને હત્યા કરનારા બે હત્યારાઓને દબોચી જમીનમાં દાટી દેવાયેલા મૃતદેહને બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતીમાં એક કહેવત છે કે “પાપ છાપરે ચડીને પોકારે” આ કહેવત બનાસકાંઠા જિલ્લામાં સાર્થક થઈ છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પંથકમાં ત્રણ માસ અગાઉ થયેલી એક હત્યાનો ભેદ ઉકેલાયો છે. બનાસકાંઠા જિલ્લાના સાંકડ ગામે મજૂરી અર્થે આવેલા વેલાભાઈ માજીરાણા જે છેલ્લા ત્રણ માસથી ગુમ થઈ ગયા હતા. જો કે પરિવાર ગુમ થઈ ગયેલા વેલાભાઈની શોધખોળ કરી રહ્યો હતો. પરંતુ વેલાભાઈનો કોઈ પતો ન લાગ્યો. જો કે ત્રણ માસ બાદ વેલાભાઈનો ભાઈ પ્રવીણ માજીરાણા કે જે ભેંસ ચોરીના ગુનામાં જેલમાં હતો અને જેલમાંથી જામીન પર છૂટી બહાર આવ્યો અને તેને જાણ થઈ કે તેનો ભાઈ વેલાભાઈ છેલ્લા ત્રણ માસથી ગુમ છે તેને શોધખોળ હાથ ધરી તો તેને લાખણીના ચિત્રોડા ગામના કિરણ ઠાકોર પાસેથી જાણવા મળ્યું કે વેલાભાઈ ગુમ નથી થયા પરંતુ તેમની હત્યા કરી તેમના મૃતદેહને જમીનમાં દાટી દેવામાં આવ્યો છે. તેમની હત્યા હીરાજી ઉર્ફે ચકી કેશાજી ઠાકોર દ્વારા કરવામાં આવી છે.આવી જાણકારી મળતા જ પ્રવીણ માજીરાણાએ સમગ્ર ઘટનાની જાણ ધાનેરા પોલીસને કરી અને ધાનેરા પોલીસ મથકે હીરાજી ઉર્ફે ચકી કેશાજી ઠાકોરે તેમના ભાઈ વેલાભાઈની હત્યા કરી હોવાની જાણ કરતા પોલીસે તાબડતોબ તપાસ હાથ ધરી અને લાખણીના શેરગઢ ગામેથી હીરાજી ઉર્ફે ચકી કેશાજી ઠાકોરને ઝડપી લીધો અને તેની સઘન પુછપરછ કરી તો હીરા ઉર્ફે ચકી કેશાજી ઠાકોરે પોતાનો ગુનો કબૂલી લીધો અને 27 એપ્રિલે હીરાએ પોતાના ભાઈ શંભુ ઠાકોર સાથે મળી વેલાભાઈની હત્યા કરી તેમના મૃતદેહને સાંકડ ગામે ભૂટા મહારાજની જમીનમાં દાટી દીધો હોવાની કબુલાત કરતા જ પોલીસે હીરા ઠાકોર અને તેના ભાઈ શંભુ ઠાકોરને દબોચી ઘટનાની જાણ સંબંધિત અધિકારીઓને કરી ભૂટા મહારાજની જમીન પર લાવી આરોપીઓએ બતાવેલી જગ્યા ખોદતા જગ્યામાંથી દટાયેલી હાલતમાં વેલાજીનો મૃતદેહ મળી આવતા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી અને હત્યાનું કારણ જાણવા ચક્રો ગતિમાન કર્યા હતા.હીરા ઠાકોર અને શંભુ ઠાકોર પાસેથી જાણવા મળ્યું કે હીરાએ પોતાની ભાભીના વેલાભાઈ સાથેના આડા સંબંધની શંકા રાખી વેલાભાઈને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધા અને તે બાદ તેના ભાઈ શંભુ ઠાકોર સાથે મળી પુરાવાનો નાશ કરવા મૃતદેહને જમીનમાં દાટી દીધો હતો. પરંતુ કહેવાય છે ને કે “કાનૂન કે હાથ લંબે હોતે હૈ” આ ઘટનામાં પણ આવું જ થયું ત્રણ માસ અગાઉ જમીનમાં દટાયેલી લાશ બહાર નીકળી અને અનેક ખુલાસાઓ થઈ ગયા.જોકે વેલાભાઈની હત્યા મામલે તેમના ભાઈ પ્રવીણભાઈ માજીરાણાએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે અત્યારે તો હીરા ઉર્ફે ચકી કેશાજી ઠાકોર અને શંભુ ઠાકોરને ઝડપી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને જમીનમાંથી નીકળેલા વેલાજી માજીરાણાના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો છે. જોકે આડા સંબંધ જેવી બાબતની શંકા રાખી એક શ્રમિક પરિવારના મોભીની હત્યા થઈ જતા અત્યારે તો સૌ કોઈ હીરા અને શંભુ ઠાકોરની આ કરતૂત પર ફિટકાર વરસાવી રહ્યા છે.

