38
છેલ્લા કેટલાય સમયથી સાયબર ફ્રોડના બનાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેર સાયબર ક્રાઇમની તપાસમાં Zomato કંપનીના ડિલિવરી બોયથી માંડીને ગેરેજના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓના બેંક એકાઉન્ટમાં ગણતરીના જ દિવસોમાં લાખો અને કરોડો રૂપિયા જમા થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ભારતના 14 રાજ્યોમાં વસવાટ કરનારા નાગરિકો સાથે થયેલ સાયબર ફ્રોડનું કનેક્શન રાજકોટ શહેર સાથે સંકળાયેલું હોવાનું સામે આવ્યું છે.
સાયબર ફ્રોડના નાણાંમાંથી કમિશન મેળવવા માટે પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપનારા વ્યક્તિઓ વિરુદ્ધ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. દેશના 14 જેટલા રાજ્યોમાં સાયબર ફ્રોડનો ભોગ બનનારા વ્યક્તિઓ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદનું કનેક્શન રાજકોટ શહેર ખાતેથી નીકળ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે રાજકોટ શહેર સાયબર ક્રાઇમ દ્વારા જુદી જુદી બે જેટલી ફરિયાદ નોંધી 8 જેટલા એકાઉન્ટમાં સાયબર ફ્રોડ આચરીને મેળવેલા રૂપિયામાંથી કુલ 13 કરોડથી પણ વધુ રૂપિયા જમા થયા હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ જે.એમ. કૈલા તેમજ પીઆઇ પી.આર. ડોબરીયાના સુપરવિઝન હેઠળ તેમજ સાયબર સેન્ટિન્સ લેબની ટેકનિકલ ટીમની મદદથી ભારત સરકારના સમન્વય પોર્ટલ તેમજ NCCRP પોર્ટલ પર તપાસ કરવામાં આવી હતી. જે અંતર્ગત મ્યુલ એકાઉન્ટ સંદર્ભે તપાસ હાથ ધરવામાં આવી હતી. જે એકાઉન્ટ વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંડોવાયેલા હોવાની પુષ્ટિ થતાં સંબંધિત એકાઉન્ટ ધારક તેમજ અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ ગુના નોંધવામાં આવ્યા છે. હાલ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા 28 વર્ષીય રોમેશ મુખીડા, 22 વર્ષીય મિત ગુપ્તા, 46 વર્ષીય લાલબહાદુર ગુપ્તા, 44 વર્ષીય પ્રવીણ શંખારવા તેમજ 25 વર્ષીય હાર્દિક લીંબાસીયા નામના વ્યક્તિઓની ધરપકડ કરી બુધવારના રોજ રિમાન્ડની માંગણી અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર ખાતે આઇપીસીની કલમ 411, 114 અંતર્ગત હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનારા હર્ષરાજ સિંહ જાડેજા દ્વારા બેંક એકાઉન્ટ ધારક કેતન બોપલિયા તેમજ સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરાવનારા જીત કુકડીયા તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો છે. જાડેજા દ્વારા પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, શંકાસ્પદ બેંક એકાઉન્ટની તપાસ કરતા રઘુવંશી એન્ટરપ્રાઇઝના નામનું બેંક એકાઉન્ટ મળી આવ્યું હતું. જે બેંક એકાઉન્ટમાં ખાતા ધારક તરીકે કિશોર બોપલિયાનું નામ હતું. ત્યારે તેમની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, ત્રણ વર્ષ પૂર્વે તેઓ સ્ટર્લીંગ હોસ્પિટલમાં નોકરી કરતા હતા તે દરમિયાન સિક્યુરિટીમાં નોકરી કરનારા જીત કુકડીયા નામના વ્યક્તિએ તેમની પાસેથી ઓનલાઇન ગેમિંગના રૂપિયા ટ્રાન્સફર કરાવવા બાબતે કરંટ એકાઉન્ટ માંગ્યું હતું. તેમજ તે એકાઉન્ટ ભાડે આપવા બાબતે કિશોર બોપલિયાને 3000 રૂપિયા કમિશન પણ આપવામાં આવ્યું હતું. એકાઉન્ટ ખુલ્યા બાદ બેંક એકાઉન્ટની કીટ પણ બોપલિયા દ્વારા જીત કુકડીયાને આપી દેવામાં આવી હતી. જે અંતર્ગત 14 જુન 2023 થી 6 સપ્ટેમ્બર 2023 સુધીના સમયગાળા દરમિયાન સાયબર ફ્રોડના 3 કરોડથી પણ વધુની રકમ રઘુવંશી એન્ટરપ્રાઇઝ નામના કરંટ એકાઉન્ટમાં જમા થઈ હોવાનું સામે આવ્યું છે.
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ તરીકે ફરજ બજાવનારા મહેન્દ્રસિંહ ઝણકાત દ્વારા આઇપીસીની કલમ 465, 467, 471, 411, 120 બી, 114 તેમજ 468 મુજબ મુંબઈ ખાતે રહેતા આશિષ, નોટરી જિજ્ઞાસા બાંભવા, રાજેન્દ્ર ખુંગલા, મયુર ખુંગલા સહિતના કુલ નવ વ્યક્તિઓ વિરુદ્ધ તેમજ તપાસમાં ખુલે છે તમામ વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો છે. પોલીસને આપેલી ફરિયાદમાં ઝણકાત દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મયુર, રોમેશ, મીત, લાલબહાદુર, પ્રવીણ, હાર્દિક તેમજ રાજેન્દ્ર સહિતના વ્યક્તિઓ દ્વારા ઓનલાઇન સાયબર ફ્રોડના રૂપિયા મેળવવાના હેતુથી બેંક એકાઉન્ટ ઓપન કરવા માટે પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. જેના ભાગરૂપે બોગસ પેઢીના નામના સિક્કા બનાવી તેમજ બોગસ પાર્ટનરશીપ ડીડ તૈયાર કરી હતી. તે સમયે નોટરી જિજ્ઞાસા બાંભવા દ્વારા બોગસ પાર્ટનરશીપ ડીડો તૈયાર કરવામાં આવી હતી. તેમજ નોટરાઈઝડ કરતી વખતે મયુર ખુંગલા તેમજ રમેશ મુખીડા હાજર ન હોવા છતાં તેઓની અન્ય દ્વારા ખોટી સહી કરવામાં આવી હોવાનું જાણવા છતાં પાર્ટનરશીપ ડીડ નોટરાઈઝડ કરી આપવામાં આવી હતી. તેમજ પાર્ટનરશીપ ડીડનો ખરા તરીકે ઉપયોગ કરી તેના આધારે બોગસ પેઢીઓના નામના પાનકાર્ડ તેમજ ઉદ્યમ રજીસ્ટ્રેશન કરાવી ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં કુલ સાત જેટલા ખાતા ખોલાવવામાં આવ્યા હતા. જે ખાતાઓ આશિષ નામના વ્યક્તિએ સાયબર ફ્રોડમાં ઉપયોગ લેવા માટે કમિશન પેટે ભાડે આપ્યા હતા. જે એકાઉન્ટમાં સાયબર ફ્રોડ દ્વારા મેળવવામાં આવેલા નાણાં જમા થતા હતા. 22 ફેબ્રુઆરી 2024 થી 29 ફેબ્રુઆરી 2024 ના સમયગાળા દરમિયાન બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા. તેમજ 18 માર્ચ 2024 થી 25 એપ્રિલ 2024 ના સમયગાળા દરમિયાન સાયબર ફ્રોડના કામે તે બેંક એકાઉન્ટનો ઉપયોગ થયેલો હતો.
પોલીસની તપાસમાં રોમેશ મુખીડા Zomatoનો ડિલિવરી બોય હોવાનું સામે આવ્યું છે. મીત લાલબહાદુર ગુપ્તા તેમજ તેના પિતા લાલબહાદુર ગુપ્તા ગેરેજના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. ચારેય આરોપીઓની પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે, ઓનલાઇન ફ્રોડના તથા ગેમિંગના રૂપિયા મેળવી સારું કમિશન મેળવવા માટે રાજેન્દ્ર ખુંગલા તેમજ પ્રવીણ શંખારવાની મદદથી પેઢીના ખોટા સિક્કા તેમજ ખોટી પાર્ટનરશીપ ડીડ્સની મદદથી ઉદ્યોગ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ તેમજ પેઢીના પાનકાર્ડ કઢાવી બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા. તેના બદલામાં તેમને કમિશન મળ્યું હતું. બેંક ખાતા ધારક તેમજ મુખ્ય સૂત્રધાર પૈકીના એક પ્રવીણ શંખારવા દ્વારા પૂછપરછમાં જણાવવામાં આવ્યું હતું કે, તમામ બેંક એકાઉન્ટ મુંબઈના આશિષ નામના વ્યક્તિને ગેમિંગ તેમજ ફ્રોડના રૂપિયા જમા કરાવવા અર્થે આપ્યા હતા. રાજેન્દ્ર ખુંગલાનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે.

