અમદાવાદના ચાંદખેડામાં ધોળાદિવસે રિક્ષાચાલકની હત્યા

by JAYENDRA UPADHYAY
0 comments
અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનાઓ વધતી જાય છે. ત્યારે હવે ફરી એકવાર અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં જોઈએ તો, સંબંધ રાખવા માટે દબાણ કરનારા પાડોશીની ભત્રીજાએ મિત્ર સાથે મળીને હત્યા કરી નાખી હતી. રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસી મિત્રો પાડોશી રિક્ષા ચાલકને ત્રાગડ પાસે લઈ ગયા અને ત્યારબાદ ત્રણ લોકોએ ભેગા મળીને ઉપરાછાપરી છરીના ઘા ઝીકીને હત્યા કરી નાખી હતી. જો કે પોલીસને જાણ થતાં જ ગણતરીની કલાકોમાં ત્રણેય આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે.અમદાવાદ શહેરના ચાંદખેડામાં જાણે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે. નજીવી બાબતમાં યુવકનું અપહરણ કરીને હત્યા કરી દેવામાં આવી હતી, જે બાદ બીજે દિવસે બીજો હત્યાનો બનાવ બન્યો છે. ત્રાગડ અંડરપાસ નજીક સર્વિસ રોડ પર લોહીલુહાણ હાલતમાં કોઈ પુરુષનો મૃતદેહ મળી આવ્યો હોવાનો મેસેજ મળતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. જેમાં મૃતક મોતીભાઇ ભાટી જે સેટેલાઇટના રામદેવનગરમાં રહે છે અને રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હોવાનું જાણવા મળ્યું હતું. હત્યા કોણે અને શા માટે કરી તે અંગે તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે મોતીભાઇને છેલ્લા કેટલાક સમયથી પાડોશમાં રહેતી મહિલા સાથે અવારનવાર ઝઘડા થતાં હતાં. જેથી પોલીસે મહિલાની પૂછપરછ કરતાં સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાયો હતો અને પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક છેલ્લા કેટલાક સમયથી તેના ઘરની નજીકમાં રહેતી મહિલા સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો અને એકાદ મહિના પહેલા તેઓને બોલાચાલી બાદ ઝઘડો પણ થયો હતો. જેને લઈને મહિલાએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી. મહિલાએ આ બાબતની જાણ તેના ભત્રીજા રમેશને કરી હતી અને મૃતકને સબક શીખવાડવા માટે કહ્યું હતું. જેથી રમેશે નોબલનગર ખાતે રહેતા તેના બે મિત્રો કિશન અને કમલેશને બોલાવ્યા હતાં. જ્યારે મોતીભાઇ 10મી જુલાઈના દિવસે મોડી સાંજે ઇસ્કોન ચાર રસ્તા પર રિક્ષા લઈને ઉભા હતાં, ત્યારે આ બંને મિત્રો મુસાફરના સ્વાંગમાં રિક્ષામાં બેસીને ત્રાગડ અંડરપાસ પાસે પહોંચ્યા હતા. જ્યાં રમેશ અને તેના બે મિત્રોએ મળીને મોતીભાઇને છરીના ઘા મારી ફરાર થઈ ગયા હતાં. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ મોતીભાઇનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જે બાબતની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને મહિલા, રમેશ અને કમલેશ સહિત ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે.સમગ્ર ગુનામાં સંડોવાયેલા રમેશના બે મિત્રો રૂપિયા 200 ભાડું નક્કી કરીને રિક્ષામાં બેઠા હતાં અને મોતીભાઇને ત્રાગડ પાસે લઈ ગયા હતાં. જો કે રમેશે તેઓને કોઈ પૈસા આપવાની કે પછી અન્ય કોઈ લાલચ આપી હતી કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે આરોપીઓની પૂછપરછ શરૂ કરીને હત્યા પાછળ આ જ કારણ જવાબદાર છે કે અન્ય કોઈ કારણ છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.

You may also like

Leave a Comment