ભરૂચ જિલ્લામાં થતાં બ્રીજ સંબંધી અકસ્માતો અને વિકટ પરિસ્થિતિના પગલે જનપ્રતિક્રિયા અને રાજકીય દબાણ હવે તંત્ર સુધી પહોંચ્યું છે. પાદરા તાલુકામાં મહિસાગર નદી ગંભીરા બ્રીજ તૂટવાની ઘટના બાદ કોંગ્રેસે આમોદ-જંબુસર વચ્ચે આવેલા ઢાઢર નદીના જર્જરીત બ્રીજ પર આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધના તરત જ જોવા મળ્યા છે.ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ આજે ઢાઢર નદીના પુલની તાત્કાલિક મુલાકાત લીધી અને વિવિધ તંત્રો પાસેથી પુલની હાલત, ક્ષમતા અને સુરક્ષા મુદ્દે માહિતી મેળવી હતી. ત્યારબાદ મોટી જાહેરાત કરતાં ક્લેક્ટરે તાત્કાલિક અસરથી બ્રીજ ઉપરથી તમામ પ્રકારના ભારે વાહનોની અવરજવર બંધ કરવાનો આદેશ આપ્યો છે.તાત્કાલિક અસરથી આમોદના શમા ચોકડી પોઈન્ટે પોલીસ દ્વારા બેરિકેડ્સ મૂકીને ટ્રાફિક અવરજવર નિયંત્રિત કરવામાં આવી છે. ભારે વાહનો ઉપરાંત ભરૂચથી જંબુસર તરફ જતી એસ.ટી. બસ સર્વિસ પણ અસ્થાયી રીતે અટકાવવામાં આવી હતી, જેને પગલે મુસાફરો અટવાયા હતા. જિલ્લા તંત્રે બાદમાં એસ.ટી. વિભાગ સાથે સંકલન કરીને અવરજવર માટે વિકલ્પ શોધ્યો અને હાલ પૂરતી એસ.ટી. બસોને બ્રીજ પરથી જવા દેવામાં આવી. પરંતુ લાંબા ગાળાની વ્યવસ્થા માટે જંબુસર-ભરૂચ માટે વૈકલ્પિક રૂટ ઉપલબ્ધ કરાશે તેમ પણ તંત્ર દ્વારા જાહેર કરાયું છે.ગતકાલે જ ભાજપ સરકાર અને તંત્ર સામે ગુસ્સે ભરાયેલા કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનોએ ઢાઢર નદીના પુલ ઉપર ઠાઠડી ઉચકી વિરોધ નોંધાવ્યો હતો. ‘ભ્રષ્ટાચાર નહીં ચાલે’, ‘હાય હાય ભાજપ’ જેવા નારા સાથે જનમુદ્દાને લઇ વિરોધ થયો હતો. કોંગ્રેસની માગ હતી કે જર્જરીત બનેલા પુલ પર તાત્કાલિક અસરથી ભારે વાહનો પર પ્રતિબંધ મુકવો જોઈએ અને નવો પુલ બનાવવો જોઈએ. આજે કલેક્ટરની મુલાકાત અને નિર્ણય એ મુદ્દે લોકદબાણની સીધી અસર માની શકાય.ભારે વાહનો માટે ઢાઢર નદીનો પુલ અત્યારે સુરક્ષિત નથી. તમામ સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી તેના ઉપરથી ભારે વાહનોની અવરજવર રોકી દેવામાં આવી છે. જિલ્લા પોલીસ અને ST વિભાગને તેના માટે માર્ગદર્શિત કરી દેવાયા છે. વૈકલ્પિક રૂટની વ્યવસ્થા હાથ ધરવામાં આવશે.”અત્યારે પુલની ખરાબ હાલતને પગલે વહીવટી તંત્રએ આખરે ગંભીરતા દાખવી છે. પણ શું પ્રતિબંધ અને વૈકલ્પિક વ્યવસ્થા પૂરતી રહેશે? કે આવી બ્રીજોની સ્થિતિ બદલવા માટે લાંબા ગાળાની રણનીતિ તૈયાર થશે? ભવિષ્યમાં આવા અકસ્માતો ફરી ન બને તે માટે જનદબાણ અને જવાબદાર વહીવટ તંત્રના વચ્ચે સમતોલ પ્રયાસો જરૂરી બની ગયા છે.
25

