ગત મોડીરાત્રે ધાનપુરની ગર્લ્સ રેસિડેન્સિયલ સ્કૂલની વિદ્યાર્થિનીઓ હાલ લીમખેડાની મોડલ સ્કૂલ ખાતે શિફ્ટ કરેલ છે. તે શાળામાં રહેતી 370 બાળકીઓ પૈકી 12 બાળકીઓને ગતરાત્રે ભોજન લીધા બાદ પેટમાં દુ:ખાવો અને ઝાડા ઉલ્ટીની તકલીફ થતાં 108 મારફતે લીમખેડા CHC ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ એક પછી એક બાળકીઓની તબિયત લથડતા પાંચ એમ્બ્યુલન્સ મારફતે વારાફરથી 60 જેટલી બાળકીઓને હોસ્પિટલ ખસેડી હોસ્ટેલ ખાતે પણ બાળકીઓનું સ્ક્રીનિગ શરૂ કરાયું હતું. પરંતુ 18 કલાકના સમાયમાં 97 જેટલી બાળકીઓને ખોરાકી ઝેરની અસર જોવા મળતા તંત્ર દોડતું થયું હતું.વહેલી સવારે સાંસદ જશવંતસિંહ ભાભોર કલેક્ટર યોગેશ નીરગુડે સહિતના અધિકારીઓ લીમખેડા પહોંચ્યા હતા અને બાળકીઓની મુલાકાત લીધી હતી. 97 પૈકી આઠ બાળકીની તબિયત વધારે ખરાબ થતાં દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી. જ્યારે બાકીની બાળકીઓને લીમખેડા, દુધિયા અને પીપલોદ એમ ત્રણ જગ્યાએ સારવાર હેઠળ રખાઈ છે.પ્રાંત અધિકારીના જણાવ્યા અનુસાર હોસ્ટેલ ખાતે ગત મોડી રાતથી જ પીવાનું પાણી અને ભોજન બંધ કરવાની સૂચના આપી દેવામાં આવી હતી. નજીકમાં રહેલી મોડલ સ્કૂલના રસોડામાંથી પાણી અને જમવાની વ્યવસ્થા કરાઇ હતી. જ્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પાણી અને ભોજનના નમૂના લઈ પરીક્ષણ અર્થે મોકલી અપાયા છે. તંત્ર દ્વારા બાળકીઓની સારવાર માટે આરોગ્ય વિભાગની 10થી વધુ ટીમો અલગ અલગ સ્થળે તૈનાત કરી દેવામાં આવી છે. સાથે જ આસપાસના ગામોના PHC સેન્ટર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.
32

