મર્ડર કેસમાં આજીવન કેદ ભોગવી રહેલો શખ્સ NDPS કેસમાં ફરી દોષી

by mahi
0 comments

અમદાવાદમાં ગુનાખોરી સામે કડક કાર્યવાહીનો વધુ એક મહત્વપૂર્ણ કેસ સામે આવ્યો છે. હત્યા કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલો આરોપી NDPS એક્ટ હેઠળ પણ દોષી ઠર્યો છે. પેરોલ પર બહાર આવેલા આરોપીને 18 કિલો ગાંજા સાથે ઝડપવામાં આવતા કોર્ટે તેને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ મામલે અમદાવાદ DCB પોલીસ મથકે આરોપી મનીષ તિવારી સામે NDPS એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો. કેસની સુનાવણી અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે આવેલી NDPS વિશેષ અદાલતમાં ચાલી હતી. NDPS વિશેષ અદાલતના જજ વી.બી. રાજપૂતે સરકારી વકીલ દિલીપસિંહ એમ. ઠાકોર દ્વારા રજૂ કરાયેલી દલીલો, 9 સાહેદો અને 26 દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં રાખીને આરોપીને દોષી ઠેરવ્યો હતો. કોર્ટે આરોપી મનીષ તિવારીને 10 વર્ષની સખત કેદ અને કુલ 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.કેસની વિગત મુજબ, પોલીસને બાતમી મળી હતી કે મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી અને હાલ જશોદાનગર વિસ્તારમાં રહેતો આરોપી સુરતથી ગાંજો લઈને અમદાવાદ આવી રહ્યો છે. મળેલી બાતમીના આધારે DCB પોલીસે કેડિલા બ્રિજ નજીક વોચ ગોઠવી આરોપી મનીષ તિવારીને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન આરોપીના કબજામાંથી અંદાજે 91 હજાર રૂપિયાની કિંમતનો કુલ 18 કિલો ગાંજો મળી આવ્યો હતો. તપાસમાં ખુલ્યું કે આ ગાંજો ઓરિસ્સાથી સુરત મારફતે અમદાવાદમાં છૂટક વેચાણ માટે લાવવામાં આવ્યો હતો.આ મામલે સરકારી વકીલ દિલીપસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે, આરોપી સામે રજૂ કરાયેલા તમામ પુરાવા મજબૂત અને કાયદેસર હતા. પોલીસે NDPS એક્ટની તમામ પ્રક્રિયાઓનું પાલન કર્યું હતું અને સાહેદોના નિવેદનો તથા દસ્તાવેજી પુરાવાઓના આધારે આરોપી સામે ગુનો સાબિત થયો છે. પેરોલ દરમિયાન આ પ્રકારનો ગંભીર ગુનો આચરવો અત્યંત ગંભીર બાબત હોવાનું પણ તેમણે કોર્ટ સમક્ષ રજુ કર્યું હતું.ઉલ્લેખનીય છે કે આરોપી મનીષ તિવારી અગાઉ હત્યાના કેસમાં ટ્રાયલ દરમિયાન અમદાવાદ સીટી સેશન્સ કોર્ટે નિર્દોષ છોડ્યો હતો. જોકે રાજ્ય સરકારે આ ચુકાદા સામે હાઇકોર્ટમાં અપીલ કરતાં હાઇકોર્ટે આરોપીને દોષિત ઠેરવી આજીવન કારાવાસની સજા ફટકારી હતી. આરોપી સામે અગાઉ હથિયાર સંબંધિત ગુનો પણ નોંધાયેલો છે. મહત્વનું એ છે કે આરોપી જ્યારે પેરોલ પર બહાર હતો. ત્યારે જ તેણે NDPS એક્ટ હેઠળનો આ ગંભીર ગુનો આચર્યો હતો. કોર્ટના આ કડક ચુકાદાને પેરોલનો દુરુપયોગ કરનાર આરોપીઓ સામે કડક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે.

You may also like

Leave a Comment