સુરતના ઓલપાડમાં પત્રકારત્વને કલંકિત કરતી ઘટના ઘટી છે. સોશિયલ મીડિયા પેજ પરથી વીડિયો ડિલીટ કરવાના બહાને યુવક પાસે ખંડણી માંગી, ગળે છરી મૂકી લૂંટ ચલાવનાર ટોળકીનો પર્દાફાશ થયો છે. મુખ્ય આરોપી અને કહેવાતો તંત્રી સચિન પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે.સુરત જિલ્લાના ઓલપાડમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ‘ગુજરાત અસ્મિતા’ નામના સોશિયલ મીડિયા પેજ પર ઓલપાડમાં દારૂના વેચાણનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં પોતાની બદનામી થતી જોઈ એક યુવકે પેજના તંત્રી સચિન પટેલ જે વકીલ અને બાર કાઉન્સિલ મેમ્બર પણ છે, તેનો સંપર્ક કર્યો હતો. યુવકે આ વીડિયો ખોટો હોવાનું જણાવી તેને હટાવવા વિનંતી કરી હતી.પરંતુ, મદદ કરવાના બદલે સચિન પટેલે પત્રકારત્વના ઓઠા હેઠળ પોતાની અસલી મથરાવટી બતાવી અને વીડિયો ડિલીટ કરવાના બદલામાં 10 હજાર રૂપિયાની માંગણી કરી. જ્યારે યુવક આ બાબતે મળવા ગયો, ત્યારે સચિન પટેલ અને તેના સાગરીતો સુભાષ પટેલ તથા યજ્ઞેશ પટેલે તમામ હદો વટાવી દીધી હતી. આ શખ્સોએ યુવકના ગળે છરી મૂકી, ડરાવી-ધમકાવી તેની પાસેથી 10 હજાર લૂંટી લીધા હતા અને વધુ 5 હજારની માંગણી કરી હતી.માત્ર ખંડણી જ નહીં, આ વાયરલ વીડિયોની કેપ્શનમાં ઓલપાડ પોલીસની છબી ખરડવાનો પણ પ્રયાસ કરાયો હતો. વીડિયોમાં આક્ષેપ કરાયો હતો કે ઓલપાડ પોલીસ મહિને 50 લાખ રૂપિયાનો વહીવટ કરે છે.ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે ઓલપાડ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી યજ્ઞેશ પટેલ અને સુભાષ પટેલની ધરપકડ કરી લીધી છે. જોકે, મુખ્ય સૂત્રધાર સચિન પટેલ, જેની સામે અગાઉ પણ સુરત શહેરમાં ખંડણીના ગુના નોંધાઈ ચૂક્યા છે, તે હાલ ફરાર છે. પોલીસ તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
101
previous post

