મહેસાણા જિલ્લાના ખેડૂતો દ્વારા ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) સામે વર્ષો જૂના જમીન સંપાદન, વળતર અને રોજગારીના મુદ્દે ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો છે. આ ખેડૂતોએ મહેસાણા કલેક્ટર કચેરી ખાતે ONGCના ઉચ્ચ અધિકારીઓ અને કલેક્ટરની હાજરીમાં એક બેઠક યોજીને પોતાની મુખ્ય માગણીઓ રજૂ કરી હતી. ખેડૂતોનું કહેવું છે કે ONGC દ્વારા તેમની જમીનોનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તેમને યોગ્ય વળતર અને રોજગારી મળતી નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતોએ જણાવ્યું કે ONGC દ્વારા ૩૦-૪૦ વર્ષથી તેમની જમીનો હંગામી ધોરણે સંપાદિત કરવામાં આવી છે. ખેડૂતોની માંગ છે કે આ જમીનોને કાયમી ધોરણે સંપાદિત કરવી જોઈએ. સૌથી મોટો વિરોધ હાલના ભાડાને લઈને છે. ONGC દ્વારા પ્રતિ ચોરસ મીટર પ્રતિ વર્ષ માત્ર ₹૩૬.૪૦નું નજીવું ભાડું ચૂકવવામાં આવે છે. તેની સરખામણીમાં, ટેલિકોમ ટાવર કંપનીઓ પ્રતિ ચોરસ મીટર પ્રતિ વર્ષ ₹૩૬૦ જેટલું ઊંચું ભાડું ચૂકવે છે. ખેડૂતોનું કહેવું છે કે આ દસ ગણા તફાવતને દૂર કરીને ONGCએ પણ યોગ્ય અને વાજબી ભાડું ચૂકવવું જોઈએ.ખેતરોમાંથી પસાર થતી ONGCની પાઇપલાઇનને કારણે ખેડૂતોની જમીનની કિંમતમાં ઘટાડો થાય છે, કારણ કે આ જમીનનો સંપૂર્ણ ઉપયોગ થઈ શકતો નથી. આ પાઇપલાઇનને કારણે ભવિષ્યમાં જમીનના વેચાણ વખતે પણ ખેડૂતોને ઓછું વળતર મળે છે. આ મુદ્દે ખેડૂતોએ માંગણી કરી છે કે પાઇપલાઇનવાળી જમીન માટે પણ ONGC દ્વારા યોગ્ય ભાડું ચૂકવવામાં આવે, જેથી ખેડૂતોને થતા આર્થિક નુકસાનનું વળતર મળી રહે.ખેડૂતોની સૌથી મોટી માંગણીઓમાંની એક છે કે જે ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી છે, તેમના લાયકાત ધરાવતા સંતાનોને ONGCના કોન્ટ્રાક્ટમાં નોકરી આપવી જોઈએ. આ ઉપરાંત, લેન્ડ લુઝર ખેડૂતોની સંસ્થાઓને પણ ONGC દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવે, જેથી સ્થાનિક લોકોને વધુમાં વધુ લાભ મળી શકે અને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થાય.આ બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. ONGCના ઉચ્ચ અધિકારીઓ અને કલેક્ટરની હાજરીમાં આ મુદ્દાઓ પર ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી. ખેડૂતોએ વર્ષોથી થતા શોષણનો અંત લાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરી. ખેડૂતોને આશા છે કે આ બેઠકમાંથી તેમના પ્રશ્નોનું યોગ્ય અને સંતોષકારક નિરાકરણ આવશે અને ONGC દ્વારા તેમના હિતોનું ધ્યાન રાખવામાં આવશે. આ મુદ્દે ONGC દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે, તે જોવું મહત્ત્વનું રહેશે.
187
previous post

