સુરતની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો
પાંડેસરા વિસ્તારમાં આવેલી કેએસબી ઓલિમ્પિયા ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલમાં એક ચોંકાવનારી ઘટના બની છે. એક દર્દીના સંબંધીએ બાળકને અન્ય હોસ્પિટલમાં રિફર કરવાનું કહેતાં ડોક્ટરને એક પછી એક 12 લાફા માર્યા અને ગાળાગાળી કરી. સમગ્ર ઘટના હોસ્પિટલના CCTV કેમેરામાં કેદ થઈ છે. આ ઘટના બાદ ડોક્ટરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, એક યુવાન તેના ગંભીર હાલતમાં રહેલા બાળકને લઈને હોસ્પિટલમાં આવ્યો હતો. ડોક્ટરે બાળકની તપાસ કરી અને પરિવારને જણાવ્યું કે બાળકની સ્થિતિ ગંભીર છે, અને તેને દાખલ કરવું પડશે. જોકે, હોસ્પિટલમાં ICUની સુવિધા ન હોવાથી બાળકને ICUની સુવિધા ધરાવતી બીજી હોસ્પિટલમાં રિફર કરવાનું કહ્યું.હોસ્પિટલના પ્રશાસન મુજબ, બાળક સાથે આવેલા ચાર પુખ્ત લોકોમાંથી એક વ્યક્તિ નશામાં ધૂત હતો. શરૂઆતમાં પરિવારે ડોક્ટરની વાત માની લીધી, પરંતુ થોડીવાર પછી નશામાં ધૂત વ્યક્તિ અચાનક હિંસક બની ગયો અને સીધો ડોક્ટરની ચેમ્બરમાં ઘૂસી ગયો.ડોક્ટર કંઈ સમજે તે પહેલાં જ યુવકે ગાળાગાળી કરી અને હુમલો કર્યો. ડોક્ટરે પૂછ્યું કે તે આમ કેમ કરી રહ્યો છે, તો તે વ્યક્તિ વધુ ગુસ્સે થઈ ગયો અને બાળકને દાખલ કરવાની ના પાડવા બદલ એક પછી એક 12 લાફા માર્યા. આ દરમિયાન, હોસ્પિટલના અન્ય સ્ટાફ ત્યાં પહોંચી ગયા અને ડોક્ટરને બચાવ્યા. હુમલાખોરે સ્ટાફ સાથે પણ ગાળાગાળી કરી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ.આ ઘટના બાદ ડોક્ટરે તરત જ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી. પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ડોક્ટરો અને અન્ય આરોગ્યકર્મીઓ પર વધતા હુમલાઓ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. ડોક્ટરો પર હુમલો એક ગંભીર ગુનો છે અને આ મામલે કડક કાર્યવાહીની માગણી કરવામાં આવી રહી છે.

