ભારતમાં મેદસ્વીપણું (ઓબેસિટી) એક વધતી જતી સમસ્યા બની રહ્યું છે. દેશના વડાપ્રધાન પણ લોકોને આ સમસ્યા સામે જાગૃતિ લાવવા અને ખોરાક પર નિયંત્રણ રાખવાની સલાહ આપી રહ્યા છે. આ સંદર્ભે ભાવનગર જિલ્લામાં પણ મેદસ્વીપણાને લઈને જિલ્લા આરોગ્ય વિભાગે બે મુખ્ય બાબતો પર ભાર મૂક્યો છે. ખાસ કરીને બાળકોમાં મેદસ્વીપણું વધી રહ્યું હોવાનું જોવા મળ્યું છે. ભાવનગર સહિત સમગ્ર ભારતમાં મેદસ્વીપણું એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા તરીકે ઉભરી રહ્યું છે. વડાપ્રધાને આ સમસ્યા સામે લડવા લોકોને તૈયાર રહેવા અને ખોરાક પર નિયંત્રણ રાખવા અપીલ કરી છે. ભાવનગર જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી ડૉ. ચંદ્રમણીએ જણાવ્યું કે, મેદસ્વીપણું ઘટાડવા માટે વડાપ્રધાનના પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત વિવિધ સૂચનાઓ આપવામાં આવી રહી છે. જોકે, નાના સમાજોમાં મેદસ્વીપણાનો ચોક્કસ ડેટા ઉપલબ્ધ નથી, પરંતુ આ એક ગંભીર સમસ્યા છે.ડૉ. ચંદ્રમણીએ જણાવ્યું કે, મેદસ્વીપણું એટલે શરીરમાં ચરબીનો વધારો, જે દરેક વ્યક્તિ માટે સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી કરે છે. આ ઘટાડવા માટે બે મુખ્ય બાબતો પર ધ્યાન આપવું જોઈએ.જિલ્લા આરોગ્ય વિભાગ બાળકોમાં મેદસ્વીપણું ઘટાડવા માટે વજન અને ઊંચાઈના આધારે બોડી માસ ઇન્ડેક્સ (BMI) નક્કી કરે છે. આના આધારે બાળકો માટે યોગ્ય ખોરાકની ભલામણ કરવામાં આવે છે. આ ઉપરાંત, શાળાઓમાં બાળકોને મેદસ્વીપણાના નુકસાન અને તેનાથી બચવાના ઉપાયો વિશે જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે.જિલ્લા આરોગ્ય વિભાગના તાજેતરના સર્વે અનુસાર, ભાવનગર જિલ્લામાં ધોરણ 1થી 12 સુધીના 2,97,989 બાળકોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. આમાંથી 17,645 બાળકો વધુ વજનવાળા અને 5,210 બાળકો મેદસ્વીપણાથી પીડાતા હોવાનું જણાયું છે. જિલ્લામાં સૌથી વધુ મેદસ્વી બાળકો તળાજામાં 2,157 અને સૌથી ઓછા વલભીપુરમાં 118 જોવા મળ્યા છે.
59

