ભરૂચ જિલ્લાના લોકો માટે ફરી એક વાર ચિંતાજનક પરિસ્થિતિ ઉભી થઈ છે. નર્મદા નદીમાં ઉપરવાસમાંથી આવેલ ભારે પાણીના કારણે ગોલ્ડન બ્રિજ ખાતે નદી સિઝન દરમિયાન બીજીવાર બંને કાંઠે વહી રહી છે. હાલ નર્મદા નદીની જળ સપાટી 19 ફૂટ સુધી પહોંચી ગઈ છે. ઉપરવાસમાં થયેલા સતત વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની ભારે આવક નોંધાઈ હતી. જેના કારણે ડેમમાંથી 2.95 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું. જોકે આજે સવારે 7 વાગ્યે પાણીની આવકમાં ધરખમ ઘટાડો થતાં 15માંથી 5 દરવાજા બંધ કરાયા છે. હાલ 10 દરવાજા 1.40 મીટર ખોલીને લગભગ 1 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જ્યારે પાવરહાઉસ મારફતે વધારાના 45 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. કુલ મળીને હાલ નર્મદા નદીમાં 1.45 લાખ ક્યુસેક પાણી છોડાવાની પ્રક્રિયા ચાલુ છે.ભરૂચ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઊભી ન થાય તે માટે તંત્ર સતર્ક બન્યું છે. અંકલેશ્વરના મામલતદાર દ્વારા 14 જેટલા ગામોને ખાસ સાવચેતી રાખવા સૂચના અપાઈ છે. તંત્ર દ્વારા જાહેર જનતાને નદી કાંઠા પાસે ન જવા તેમજ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.ઝઘડિયા અને નેત્રંગ તાલુકામાં સર્વાધિક વરસાદ નોંધાતા ત્યાંની નદીઓ અને ખાડીઓમાં પાણીની સપાટી વધી ગઈ છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેના અંતર્ગત જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે. ખાસ કરીને નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઊભી થવાની શક્યતા હોવાથી તંત્ર સતત નજર રાખી રહ્યું છે.નર્મદા નદીમાં વધેલા પાણીના કારણે ગોલ્ડન બ્રિજની આસપાસનો વિસ્તાર ચિંતા જન્માવી રહ્યો છે. ગત વર્ષે જેમ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, તેવી જ સ્થિતિ આ વર્ષે પણ જોવા મળી રહી છે. વાહનવ્યવહાર, ખેતી તથા રોજિંદા કાર્યો પર વરસાદ અને નદીના વધેલા જળસ્તરની અસર પડી રહી છે.
48
previous post

