ભરૂચ નેશનલ હાઇવે નં. 48 પર છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા ભારે ટ્રાફિકજામે વાહનચાલકોને અતિ મુશ્કેલીમાં મૂકી દીધા છે. ઝાડેશ્વર ચોકડીથી નબીપુર અને અંકલેશ્વર વાલિયા ચોકડી સુધી હાઇવે પર વાહનોની લગભગ 20 કિ.મી લાંબી કતારો જોવા મળી રહી છે. ટ્રકો, બસો, કાર સહિતના વાહનચાલકો કલાકો સુધી રસ્તા પર જ ફસાઈ જતાં મુસાફરી અતિ કઠિન બની ગઈ છે. ટ્રાફિકજામ એટલો ગંભીર છે કે એમ્બ્યુલન્સ જેવી તાત્કાલિક સેવાઓ પર પણ સીધી અસર થઈ છે. મુસાફરો અને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રાત્રી અને દિવસના ડ્રોન વીડિયોમાં હાઇવે પર સર્જાયેલા દ્રશ્યો સ્પષ્ટપણે જોવા મળે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે.મુસાફરોનો આરોપ છે કે, નેશનલ હાઇવે ઓથોરિટી અને ટ્રાફિક વિભાગની બેદરકારીને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. કલાકો સુધી રસ્તા પર અટવાઈ રહેલા મુસાફરો પોતાની હાલાકી વ્યક્ત કરી રહ્યા છે, અને તંત્ર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે.હાલમાં પોલીસ અને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ટ્રાફિક ઘટાડવાના પ્રયાસો હાથ ધરાયા હોવા છતાં, હાઇવે પર હજી પણ ભારે દબાણ છે. હવે જોવાનું રહ્યું કે પ્રશાસન ટ્રાફિક નિયંત્રણ માટે કઈ અસરકારક કાર્યવાહી કરે છે.
40

