ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં વિકાસની વાતો કરતી સરકારની નીતિ સામે સવાલ ઉભો થઇ રહ્યો છે. યાર્ડમાં શાકભાજીની હરાજી ગંદકી અને કીચડ સાથે ખુલ્લામાં થઈ રહી છે. વરસાદ, ઠંડી કે તડકો ગમે તે સમય હોય ખેડૂતો, વ્યાપારી અને ખરીદનારે જાહેરમાં વ્યવહાર કરવાની ફરજ પડે છે. વ્યાપારીઓની માંગ વચ્ચે યાર્ડએ શું જવાબ આપ્યો જાણો. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં વર્ષોથી ભરાતી શાકભાજીની હરાજીની માર્કેટમાં વેપારીઓને વર્ષોથી સમસ્યાઓ હલ નહીં થતા આક્રોશ ઠાલવી રહ્યા છે. ચોમાસાના ચાર મહિના ખુલ્લા મેદાનમાં વરસાદની સિઝનમાં પણ હરાજી કરવી પડે છે. જેથી વ્યાપારી, ખેડૂતો અને ખરીદનાર તમામ હાલાકી ભોગવે છે. આ સાથે યાર્ડમાં ચોમાસામાં કાદવ-કિચડ જામેલા સામ્રાજ્યના લઈને રોષ જોવા મળી રહ્યો છે. કાદવ, કિચડ અને ગંદકી દૂર કરવાની માંગ પણ ઉઠી છે. જોકે યાર્ડના તંત્ર દ્વારા કરાઈ રહેલી સમગ્ર માંગને પગલે છેદ ઉડાડ્યો છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં વર્ષોથી શાકભાજીની દલાલી કરતા વ્યાપારી હર્ષદભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, લગભગ છેલ્લા 35 વર્ષથી અમે લોકો ખુલ્લામાં વ્યવસાય કરીએ છીએ. ખાસ ઉનાળો હોય તો તકલીફ પડે. ચોમાસામાં ખુલ્લામાં વરસાદમાં ખેડૂતોનો માલ વેચવો પડે છે તેના હિસાબે ખેડૂતોને પૂરતી ઉપજ મળતી નથી. પારાવાર મુશ્કેલીઓ છે તેથી ખરીદનાર ગ્રાહક મળતા નથી. અમે માંગણી લેખિત અને મૌખિક કરેલી છે છતાં શેડ બનાવવામાં આવતો નથી. સુધારો નહી થાય તો ખેડૂતો યાર્ડમાં માલ લાવવાનું બંધ કરશે. અહીં રોજના 2500 થી 3000 લોકોની અવરજવર રહે છે. માર્કેટિંગ યાર્ડમાં દલાલી શાકભાજીની કરતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, યાર્ડમાં સમસ્યા સિવાય કશું છે જ નહીં. અહીં કચરો એટલો છે કે વાત ન પૂછો. હર્ષદભાઈએ કહ્યું કે, શેડ નથી. જેથી ખેડૂતોની અવદશા છે. યાર્ડ ભાંગવાની અણી ઉપર છે ખેડૂતોનો માલ બગડે છે. ગારાવાળી શાકભાજી થવાને કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ અસર પડે છે.યાર્ડના બીજા વેપારી ચુડાસમા લાલભા મહિપતસિંહ જણાવ્યું હતું કે, અમે છેલ્લા ઘણા વર્ષોથી શાકભાજીનો વ્યાપાર કરીએ છીએ. કોઈ જગ્યાએ તંત્ર કચરો કોઈ ઉપાડતુ નથી. ખેડૂતોને પારાવાર હાલાકી ભોગવે છે. પાણી કચરો વગેરેની સમસ્યા છે. તંત્ર પગલાં ભરે નહીં તો અમારે પગલા ભરવા પડશે. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ફરજ બજાવતા સેક્રેટરી અરવિંદભાઈ ચૌહાણએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, યાર્ડમાં ખુલામાં છેલ્લા ઘણા વર્ષોથી શાકભાજીની હરાજી થઈ રહી છે. પરંતુ નિયમ પ્રમાણે જે કોઈ વ્યાપારી એજન્ટ હોય તેમને ગોડાઉન ફાળવેલા છે તેમને પોતાની દુકાનમાં જ કે ગોડાઉનમાં જ શાકભાજીની હરાજી કરવાની રહેતી હોય છે. પરંતુ વર્ષોથી ચાલ્યા આવે છે એટલે યાર્ડ દ્વારા ખુલામાં સૌને હરાજી કરવા દેવામાં આવી રહી છે. આશરે 100 થી 125 જેટલા નોંધાયેલા એજન્ટ ભાઈઓ છે. યાર્ડમાં શાકભાજીને લઈને ખુલ્લામાં હરાજીને મંજૂરી છે નહીં માત્ર ધાન્યને અન્ય મંજૂરી વાળી ચીજો માટે શેડ બનાવેલા છે.
34

