45
વડોદરા આણંદ જિલ્લાને જોડતા પાદરા પાસે આવેલ ગંભીરા બ્રિજ દુર્ઘટના થોડા દિવસો પહેલા સર્જાઈ હતી. જેમાં બ્રિજ તૂટવાની દુર્ઘટનામાં 20 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનામાં એક ટેન્કર જ્યારે અકસ્માતગ્રસ્ત થયું ત્યારે તે બ્રિજ દુર્ઘટનામાં ફસાયું હતું. ફસાયેલા ટ્રકને ઉતારવા માટે ટ્રક ચાલક દ્વારા અનેક રજૂઆત પણ કરી હતી. હવે આજે ગંભીરા બ્રિજ પરથી લટકતા ટેન્કરને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.ગંભીરા બ્રિજ પરથી લટકી રહેલા ટેન્કરને બહાર કાઢવાની કામગીરીનો પ્રારંભ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને કામગીરી શરૂ કરી છે. જો કે ટેન્કર ઉતારવાની આ કામગીરી અત્યંત જટિલ અને જોખમી હોવાથી વિશેષ સાવચેતી રાખવામાં આવી રહી છે.
જેના માટે તંત્ર દ્વારા મરીન ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા ટેન્કરને બહાર કાઢવા હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત મરીન ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા પ્રથમ એર બલૂન તૈયાર કરી દેવામાં આવ્યું છે. આ બલૂનનો ઉપયોગ ટેન્કરને ટેકો આપવા અને તેને સ્થિર રાખવા આવે તે પ્રકારની વ્યવસ્થા હાથ ધરી છે. તેમજ સેફ્ટીના જરૂરી સાધનો અને ટેક્નિકલ સામાન પણ ટ્રકની નજીક લાવવામાં આવ્યો છે. લટકી રહેલા ટેન્કરને કારણે મોટી દુર્ઘટનાનો ભય રહેલો છે, તેથી સમગ્ર કામગીરી અત્યંત ધીમી અને સાવધાનીપૂર્વક ચાલી રહી છે. ટીમો દ્વારા ટ્રકની પાછળની બાજુએ લાંબા દોરડા અને હવા ભર્યા વિનાના બલૂન પણ લાવવામાં આવ્યા છે, જેથી ટૂંક સમયમાં તેને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી શકાય.

