EVM સુરક્ષિત, હેકિંગ કે ચેડા કરવા શક્ય નથી: ચૂંટણી પંચ 
evm-369.jpeg
May 22,2019 31

EVM સુરક્ષિત, હેકિંગ કે ચેડા કરવા શક્ય નથી: ચૂંટણી પંચ

નવી દિલ્હી,

ઈવીએમની વિશ્વસનીયતા અંગે વિપક્ષના આક્ષેપો વચ્ચે દિલ્હી સ્થિત ચૂંટણી પંચના મુખ્ય અધિકારી રણબીર સિંહે કહ્યું કે, ‘તમામ મશીનોને એકદમ સુરક્ષિત છે અને તમામ મશીનો પારદર્શકતા તેમજ જરૂરી પ્રોટોકોલ્સને પૂર્ણ કરે છે. તેને ખૂબ જ સુરક્ષિત રાખવામાં આવ્યા છે તેથી તેની સાથે કોઈ પણ પ્રકારના ચેડાં શક્ય જ નથી. આ મશીન સાથે કોઈ છેડછાડ કે હેક કરી શકે તે વાત શક્ય જ નથી કેમ કે તેનો બહારની દુનિયા સાથે કોઈ સંપર્ક જ નથી. તેમાં ઈન્ટરનેટ, વાઈ-ફાઈ કે બ્લૂટૂથનો વિકલ્પ પણ આપવામાં નથી આવ્યો. તેમાં જે ચીપ રહેલી છે તે ફક્ત એક જ વખત કામમાં આવી શકે તેવી છે.’

આમ આદમી પાર્ટીએ સોમવારે ચૂંટણી પંચ સમક્ષ દિલ્હીમાં મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા માટે અપીલ કરતા આક્ષેપ કર્યો હતો કે રાજકીય વિરોધીઓએ 23મી મેએ જાહેર થનારા ચૂંટણી પરિણામોની જાહેરાત પહેલા ઈવીએમ સાથે ચેડાં કરવાની યોજના બનાવી છે. અગાઉ પણ ઈવીએમ હેક કરવાની અને તેની સાથે ચેડાં કરવાની ઘટનાઓ બની ગઈ છે.

ચૂંટણી પંચના અધિકારી રણબીર સિંહે જણાવ્યું કે ઈવીએમ મશીનો ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ECIL) અને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડે (BEL) ઉચ્ચ સુરક્ષા પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને બનાવ્યા છે. જ્યારે કોઈ વ્યક્તિ તેના પ્રોગ્રામને બદલવાનો પ્રયત્ન કરે તો મશીન ખૂબ જ વાઈબ્રેટ થાય છે અને પછી બંધ થઈ જાય છે. ઈવીએમને ગોડાઉનમાં રાખવાથી મતદાન મથકો સુધી પહોંચાડવા સુધી રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ હાજર રહેતા હોય છે.

રણબીર સિંહે જણાવ્યું કે ઈવીએમને સુરક્ષિત, સીલબંધ રાખવામાં આવે છે અને સીલ પર પ્રતિનિધિઓનાં હસ્તાક્ષર લેવામાં આવે છે. જ્યારે મશીનની પ્રથમ તબક્કાની તપાસ થાય છે તેમાં મશીન યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તે તપાસવામાં આવે છે. આ તપાસ પણ દરેક પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં જ કરવામાં આવે છે.

Top