મલાઈ ખાવામાં રસ હોય તે ગરીબોની ચિંતા શા માટે કરે: મોદી 
modi-31.jpg
April 16,2019 246

મલાઈ ખાવામાં રસ હોય તે ગરીબોની ચિંતા શા માટે કરે: મોદી

સંબલપુર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઓડિશાના સંબલપુરમાં જાહેરસભાને સંબોધી હતી. વડાપ્રધાને તેમની સરકાર દ્વારા ગરીબો સુધી નાણાં પહોંચે તે માટે વચ્ચેના મલાઈદારો (વચેટિયાઓ)ને ઉખાડી ફેંકવામાં આવ્યા હોવાનો દાવો કર્યો હતો. વડાપ્રધાને જણાવ્યું હતું કે ‘અગાઉ યુપીએની સરકારમાં એક રૂપિયામાંથી ગરીબો સુધી 15 પૈસા પહોંચતા હતા જ્યારે બાકીની મલાઈ વચેટિયાઓ ખાઈ જતા હતા.’ અગાઉની કોંગ્રેસ સરકાર ભ્રષ્ટાચાર અને સંખ્યાબંધ કૌભાંડોમાં સંડોવાયેલી હોવાનું જણાવીને મોદીએ વિપક્ષો પર પ્રહાર કર્યો હતો.

વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું કે, ‘અગાઉ ખાંડ, કરિયાણા અને યુરિયા સહિતના કૌભાંડોમાં સંડોવણી છતા લોકોને મજબૂર સરકારથી કામ ચલાવવું પડતું હતું. પરંતુ આ ચોકીદારે નક્કર પગલાં લીધા અને કેન્દ્રમાંથી અપાયેલી સહાયની રકમ પૂરેપૂરી ગરીબોને મળે તે સુનિશ્ચિત કર્યું.’

ઓડિશાના બીજુ જનતા દળ પર નિશાન સાધતા મોદીએ જણાવ્યું કે, ખાણ અને ચીટફંડ કૌભાંડોમાં સંડોવાયેલી નવીન પટનાયકની પાર્ટીએ વ્યક્તિગત હિતોની જ ચિંતા કરી છે. ‘આ પક્ષ લોકોનું ભલું શા માટે વિચારે જ્યારે તે સ્વયં ચીટફંડ અને ખાણ કૌભાંડોમાં સંડોવાયેલાઓને બચાવી રહી છે. મોદી સરકારે દાયકાઓ જૂના ખાણના નિયમોને બદલ્યા અહીંના ખનીજમાંથી જે નાણાં મળે તેનો કેટલોક ભાગ સ્થાનિક માળખાકીય વિકાસ માટે વાપરવાનો નિર્ણય લીધો,’ તેવો દાવો મોદીએ કર્યો હતો.

કોંગ્રેસ અને તેના સહયોગીઓને આડેહાથ લેતા વડાપ્રધાને જણાવ્યું કે, ‘ભાજપે ભ્રષ્ટાચારીઓ પર લાલ આંખ કરી હોવાથી કોંગ્રેસ અને મહામિલાવટી મિત્રો ચોકીદારને હટાવવા પાછળ પડી ગયા છે. દેશ આઝાદી બાદ વર્ષો સુધી ભ્રષ્ટાચારથી પીડાતો રહ્યો. ભાજપની સરકારે આવીને ભ્રષ્ટાચાર પર બ્રેક લગાવી છે.’
 
મોદીએ આશ્વાસન આપ્યું કે ભાજપની સરકાર પુન: સત્તામાં આવશે તો તે અલગ ફિશરીઝ અને જલ શક્તિ મંત્રાલય એમ નવા વિભાગ સ્થાપશે. માછીમારો માટે કેન્દ્ર સરકાર યોજનાઓ પણ રજૂ કરશે તેમ વડાપ્રધાને ભાષણમાં જણાવ્યું હતું.સંબલપુર લોકસભા બેઠક પરથી નીતેશ ગંગા દેવ ભાજપના ઉમેદવાર છે અને આ બેઠક માટે ત્રીજા તબક્કામાં 23 એપ્રિલના મતદાન યોજાશે

Top