યૂનિટેકે હોમબાયર્સ અને બેન્કોના કરોડો રુપિયા વિદેશોમાં રોક્યા: ઓડિટ રિપોર્ટ 
1579355277698-1733.JPG
January 19,2020 9

યૂનિટેકે હોમબાયર્સ અને બેન્કોના કરોડો રુપિયા વિદેશોમાં રોક્યા: ઓડિટ રિપોર્ટ

નવી દિલ્હી: રિયલ એસ્ટેટ કંપની યૂનિટેકે ઘર ખરીદવાના સપના સેવતા લોકોની મહેનતની કમાણી અને બેન્કોના પૈસાનું ગમન કરી વિદેશી કંપનીઓમાં રોકાણ કર્યા હોવાનો ખુલાસો થયો છે. બેન્કો અને ઘર ખરીદનારાઓને ચૂનો લગાડવાનું કંપનીનું કૌભાંડ કંપનીની ફોરેન્સિક ઓડિટમાં સામે આવ્યું છે. યૂનિટેક લિમિટેડની ફોરેન્સિક ઓડિટમાં આ વાતનો ખુલાસો થયો છે કે હોમ બાયર્સ અને બેન્કો દ્વારા રોકાણ કરવામાં આવેલા નાણાનો ઉપયોગ કંપનીએ મકાન નિર્માણમાં ન કરવાને બદલે ટેક્સ હેવન દેશોમાં મોકલી દીધા છે. લગભગ 19800 બોમ બાયર્સે મકાન ખરીદવા માટે આશરે 14720 કરોડ રુપિયા યૂનિટેક પાસે જમા કરાવ્યા અને કંપનીએ 74 હાઉસિંગ પ્રોજેક્ટ પૂરા કરવા માટે છ નાણાકીય સંસ્થાઓ પાસેથી 1805.86 કરોડ રુપિયાની લોન લીધી હતી. રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે હોમબાયર્સ પાસેથી લીધેલા નાણાના 40 ટકા (આશરે 5063 કરોડ રુપિયા)નો ઉપયોગ મકાન નિર્માણમાં નથી કરાયો, જ્યારે 2389 કરોડ રુપિયાનો કોઇ હિસાબ જ નથી.
આડિટ રિપોર્ટ મુજબ બેન્કો પાસેથી લીધેલા નાણા પૈકી 40 ટકા રકમ (આશરે 763 કરોડ રુપિયા)નો ઉપયોગ હાઉસિંગ પ્રોજેક્ટમાં કરવામાં આવ્યો નથી. ઓડિટર્સ મુજબ 51 પ્રોજેક્ટની તપાસ કર્યા પછી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો જ્યારે 23 પ્રોજેક્ટની તપાસ બાકી છે. કારણ કે કંપની આ પ્રોજેક્ટની માહિતી આપી શકી નથી.આ રિપોર્ટ યૂનિટેક ગ્રુપની તપાસના આદેશ આપનાર જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ તથા એમ. આર. શાહની બેન્ચને સોંપવામાં આવ્યો છે.
રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે મોટાભાગનું ફંડ વિદેશી ટેક્સ હેવન (કાળુ નાણુ છુપાવવા માટે સુરક્ષિત) દેશોમાં મોકલવામાં આવ્યું છે. જેને પાછળથી રિટ ઓફ કરી દેવામાં આવ્યું. રિપોર્ટ મુજબ વર્ષ 2007-10 વચ્ચે યૂનિટેકની ત્રણ સહાયક કંપનીઓએ સાયપ્રસમાં 10 કંપનીઓમાં 1745.81 કરોડ રુપિયાનું રોકાણ કર્યું છે. વર્ષ 2016-18 વચ્ચે 1406.33 કરોડ રુપિયા અથવા કુલ રોકાણનો 80 ટકા ભાગ રિટ ઓફ કરી દેવામાં આવ્યો જ્યારે બાકીના 339 કરોડ રુપિયા કંપની ખાતાવહીમાં ઇક્વિટીમાં રોકાણ કર્યા હોવાનું દર્શાવે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2007-08મા જર્સીમાં રજિસ્ટર્ડ કંપની યૂનિટેક ગ્લોબલ લિમિટેડ તથા તેની એક સહાયક કંપની ન્યૂવેલ લિમિટેડની સબ્સિડરી કંપની કોર્ટેલ લિમિટેડ પાસેથી 294.47 કરોડ રુપિયા લોન પેટે લીધા, જે યૂનિટેકની જ એક સબ્સિડરી કંપની હતી. કોર્ટેલે વર્ષ 2015-16 દરમિયાન સાયપ્રસમા ત્રણ કંપનીઓમાં 292.99 કરોડ રુપિયા રોક્યા હતા. કોર્ટલે આ તમામ રોકાણને તેના વહીખાતામાં રિટ ઓફ કર્યા હતા. ફોરેન્સિક ઓડિટર્સ મુજબ વર્ષ 2009-11 વચ્ચે યૂનિટેતે તેની માલિકીની પાંચ કંપનીઓને 493.72 કરોડ રુપિયામાં ત્રણ કંપનીઓને વેચાણ કરી દીધુ, જેમાં યૂનિટેકને 294.30 કરોડ રુપિયા મળ્યા. જોકે કંપનીના હિસાબમાં આ કંપનીઓના નામ સુદ્ધા નથી. આ સિવાય માર્ચ 2011થી ઓક્ટોબર 2013 સુધી કંપનીઓ 237.63 કરોડ રુપિયા પોતાની જ કંપની મિલેનિયમ કન્સ્ટ્રક્શનને લોન પેટે આપ્યા. આ નાણા એક કંપનીમાં ગ્રૈન્ડ્યુર બિલ્ડવેલ પ્રાઇવેટ લિમિટેડના નામે શેર ખરીદવા માટે આપવામાં આવ્યા હતા. પરંતુ યૂનિટેકને એક પણ શેર મળ્યો નથી અહી સુધી કે સંપૂર્ણ લોન હજુ સુધી બાકી પેટે બોલી રહી છે.

Top