પૃથ્વી શોનો ઝંઝાવાત, ન્યૂઝીલેન્ડ સામે 150 રન ફટકાર્યા 
1579415038738-1732.JPG
January 19,2020 9

પૃથ્વી શોનો ઝંઝાવાત, ન્યૂઝીલેન્ડ સામે 150 રન ફટકાર્યા

લિંકન (ન્યૂઝીલેન્ડ) : ભારતના યુવા ક્રિકેટર પૃથ્વી શોએ ઈજામાંથી બહાર આવીને મુખ્ય ટીમમાં પોતાની દાવેદારી મજબૂત બનાવવા માટે ઈન્ડિયાએની પ્રેક્ટિસ મેચમાં ઝંઝાવાતી બેટિંગ કરી સદી ફટકારી છે. ન્યૂઝીલેન્ડ ઈલેવન સામેની બીજી પ્રેક્ટિસ મેચમાં પૃથ્વીએ જોરદાર ફટાકાબાજી કરતા 100 બોલમાં 150 રન કર્યા છે. આ સાથે જ તેણે પોતાના કમબેકનો મજબૂત સંકેત પણ આપી દીધો છે. 20 વર્ષીય શોએ બર્ટ સુટક્લિફ ઓવલ ગ્રાઉન્ડ પર રમેલી આ શાનદાર ઈનિંગમાં 22 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. શોની આ દમદાર ઈનિંગને પગલે ભારતીય પસંદગીકારો તેને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ ટીમમાં ફરી સ્થાન આપવા વિચારણા કરી શકે છે. 21 ફેબ્રુઆરીથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો હેમિલટનના બેસિન રિઝર્વમાં પ્રારંભ થશે. ઈન્ડિયા-એ દ્વારા પ્રથમ બેટિંગનો નિર્ણય લેવાયા 49.2 ઓવરમાં 372 રનના સ્કોર પર ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. ડોપિંગ બેન અને ખભાની ઈજાને પગલે ટીમમાંથી આઠ માસ સુધી બહાર રહેનાર પૃથ્વી શો ઈન્ડિયા-એની પ્રથમ પ્રેક્ટિસ મેચ રમી શક્યો નહતો.
મુંબઈ ટીમની રણજી મેચમાં પૃથ્વીને ઈજા પહોંચી હતી. મુંબઈ અને કર્ણાટક વચ્ચેની રણજી ટ્રોફી મેચમાં પૃથ્વીને પ્રથમ દિવસે પ્રથમ ઈનિંગમાંજ ખભા પર ઈજા થતા તે બીજી ઈનિંગમાં બેટિંગ કરી શક્યો નહતો. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્ષ ખાતે રમાઈ રહેલી રણજી મેચમાં ઓવરથ્રોને રોકવા જતા ડાઈવ લગાવતા પૃથ્વીને ડાબા ખભા પર ઈજા પહોંચી હતી. જો કે હવે ખભાની ઈજામાંથી બહાર આવીને પૃથ્વીએ ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે.

Top