જામીન પર છૂટેલા આરોપીઓએ પીડિતાની માતાની ઢોર માર મારી હત્યા કરી 
1579321995425-1724.JPG
January 18,2020 50

જામીન પર છૂટેલા આરોપીઓએ પીડિતાની માતાની ઢોર માર મારી હત્યા કરી

કાનપુર : કાનપુરમાં એક એવી ઘટના સામે આવી છે જેના વીશે સાંભળીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે. અહીં એક સગીરાની છેડતી કરવાના આરોપમાં જેલમાંથી જામીન પર છૂટેલા આરોપીઓએ પીડિતાની માતાની ઢોર માર મારીને હત્યા કરી દીધી છે. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પાંચ આરોપીઓએ સાથે મળીને પીડિતાની માતાની હત્યા કરી દીધી છે. આ ઘટના બાદ પોલીસ નાસી છૂટેલા આરોપીઓની શોધખોળ કરી રહી છે.
આરોપીઓએ વર્ષ 2018માં સગીરા સાથે છેડતી કરી હતી. પોલીસે આ કેસમાં એફઆઈઆર નોંધ્યા બાદ છ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ જામીન પર છૂટ્યા હતા અને છૂટતાની સાથે જ તેઓ પીડિતાના ઘરે પહોંચીને તેમને કેસ પાછો ખેંચી લેવા માટે ધમકી આપવા ગયા હતા. છેડતીના આ કેસમાં પીડિતાની માતા મુખ્ય સાક્ષી હતી. પીડિત પરિવારે કેસ પરત લેવાની ના પાડતાની સાથે જ આરોપીઓએ તેમને ઢોર માર મારવાનો શરૂ કરી દીધો હતો. નોંધનીય છે કે આરોપીઓ તાજેતરમાં જ જામીન પર છૂટ્યા હતા. આરોપીઓના નામ આબિદ, મિંટૂ, મહબૂબ, ચાંદ બાબૂ, જમીલ અને ફિરોઝ છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી પીડિતાની માતા અને પરિવારની અન્ય એક મહિલાને સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન જ પીડિતાની માતાએ અંતિમ શ્વાસ લીધા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક મહિલા જમીન પર પડેલી જોવા મળી રહી છે જેને કેટલાક લોકો ખૂબ જ ક્રૂરતાપૂર્વક માર મારી રહ્યા છે.

Top