આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 54મો પદવીદાન સમારોહ યોજાયો હતો 
phpThumb_generated_thumbnail-1368.jpeg
December 07,2019 35

આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 54મો પદવીદાન સમારોહ યોજાયો હતો

રાજકોટ, આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 54મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર રહ્યા હતા. આ સમારોહ દરમિયાન રાજ્યપાલે દીક્ષાંત પ્રવચન આપતા જણાવ્યું કે, ભારતમાં દુષ્કર્મના કેસો સાંભળીને શરમ આવે છે. આ એ દેશ છે જ્યાં બીજાની માતા બહેન આપણી પણ માતા બહેન છે. ઋષિમુનિઓ તેમના વિદ્યાર્થીઓને આ શિક્ષણ આપતા હતા અને આ જ ધર્મ હતો, જ્યારે અત્યારે જાતિને પોતાનો ધર્મ ગણે છે.આ ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ‘માતૃ-પિતૃ-આચાર્ય દેવો ભવ’ની ભારતીય સંસ્કૃતિનું જતન અને સંવર્ધન કરવા પદવીધારકોને અનુરોધ કર્યો હતો.તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતાં જણાવ્યું હતું કે, આજના દિવસે ઉપાધિ મેળવતા સમગ્ર સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓએ ધર્મનું આચરણ-સત્યનું પાલન-અધ્યયનનું સેવન કરવા પ્રવૃત્ત થવું જોઇએ, અને ઉન્નત તથા ચારિત્ર્યશીલ સમાજના નિર્માણ માટે કટિબધ્ધ થવું જોઇએ. રાજ્યપાલે ડિપ્લોમા, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની પદવી મેળવતા તમામ છાત્રોને અભિનંદન આપતાં કહ્યું કે, મેળવેલા શિક્ષણ વિષે ચિંતન કરવાનો અને તેને કાર્યક્ષેત્રમાં અમલી બનાવવાની આ ઉત્તમ તક છે, જેનો લાભ લઇ ઉચ્ચ ભવિષ્યના નિર્માણ માટે પ્રત્યેક વિદ્યાર્થીએ આગળ આવવું જોઇએ.રાજયપાલે તેમના વકતવ્ય દરમ્યાન શુધ્ધ સંસ્કૃતમાં શ્લોકો બોલીને પોતાની વિદ્વત્તાનો સુપેરે પરિચય કરાવ્યો હતો, ભારતીય શાસ્ત્રોમાં વર્ણવાયેલી ધર્મ, સમાજ, વર્ણવ્યવસ્થા વગેરેની વિષદ વ્યાખ્યા રાજયપાલે તેમના પ્રવચનમાં સામેલ કરી હતી, અને પોતાના માટે શ્રેષ્ઠ લાગતું કાર્ય જ અન્યો માટે આચરણમાં મુકવા પર ભાર મુક્યો હતો.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ પદવીદાન સમારંભમાં વિવિધ 14 વિદ્યાશાખાના 36,564 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી હતી. જે પૈકી 13 વિદ્યાશાખાના 57વિદ્યાર્થીઓને કુલ 73 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદી, રજિસ્ટ્રાર રમેશભાઇ પરમાર, પરીક્ષા નિયામક અમિત પારેખ, પૂર્વ કુલપતિ ડો. મહેન્દ્ર પાડલિયા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્યો, વિવિધ વિદ્યાશાખાના વડાઓ, અધ્યાપકો, વિદ્યાર્થીઓ, તથા તેમના વાલીઓ, શિક્ષણપ્રેમી નગરજનો તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમગ્ર સ્ટાફ સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Top