સરકારે ઈજિપ્ત-તુર્કીથી 21 હજાર ટન ડુંગળી આયાત કરી 
phpThumb_generated_thumbnail-1363.jpeg
December 06,2019 77

સરકારે ઈજિપ્ત-તુર્કીથી 21 હજાર ટન ડુંગળી આયાત કરી

ગુજરાતમાં છૂટક બજારમાં ડુંગળીનો ભાવ પહેલીવાર 120થી 150 રૂપિયે કિલોના ઐતિહાસિક સ્તરે પહોંચ્યો છે. ગત વર્ષે આ સમયે ડુંગળીનો ભાવ 15 રૂપિયે કિલોની આસપાસ હતો. ચાર મહિનામાં ડુંગળીના ભાવ પ્રતિકિલો રૂ. 30થી 40નો વધારો થયો છે. અમદાવાદ એપીએમસીમાં ગુરુવારે રૂ. 90થી 100 પ્રતિ કિલોનો ભાવ ચાલતો હતો. લસણનો ભાવ પ્રતિકિલો રૂ. 200, આદુ પ્રતિકિલો રૂ. 100 પર પહોંચી ગયું છે.ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 750 કિલો ડુંગળીનો જથ્થો ગાયબ થઈ જતા દોડધામ મચી હતી. કર્ણાટકમાં ડુંગળીનો ભાવ 135થી 140 રૂપિયે કિલો સુધી પહોંચ્યો છે. મહુવા માર્કેટિંગ યાર્ડના ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે ડુંગળીનો ઉતારો ઘટીને 30થી 40 ટકા થતા ભાવમાં વધારો થયો છે. ગુરુવારે સંસદમાં પણ ભાવ વધારાનો મુદ્દો ગાજ્યો હતો. સંસદની બહાર પણ વિપક્ષે મોંઘવારી મુદ્દે દેખાવો કર્યા હતા. આ તરફ સરકારે ઇજિપ્ત અને તુર્કીથી 21 હજાર ટન ડુંગળી આયાત કરી હોવાનું જણાવ્યું હતું. પહેલીવાર ડુંગળીનો ભાવ યુરો-ડૉલરથી વધ્યો છે. ગુરુવારે ડૉલરનો ભાવ 71 રૂપિયા હતો જ્યારે યુરોનો ભાવ 79 રૂપિયા હતો.ગુરુવારે કેન્દ્રીય મંત્રી અશ્વિન ચૌબેએ કહ્યું હતું કે મેં ક્યારેય જીવનમાં ડુંગળી ચાખી નથી તેથી બજારમાં ડુંગળીની શું સ્થિતિ છે તેનો મને ખ્યાલ નથી. બાદમાં ગૃહમંત્રી અમિત શાહે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર અંકુશ માટે વાણિજ્ય મંત્રી ગોયલ, કૃષિ મંત્રી તોમર, પુરવઠા પ્રધાન પાસવાન સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.ભાવ વધવા પાછળ કમોસમી વરસાદના કારણે નવા પાકને નુકસાન થવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે. ડુંગળીના ભાવમાં એક સપ્તાહમાં 33 ટકાનો વધારો થયો છે. એપીએમસીના સેક્રેટરી દીપક પટેલે જણાવ્યું કે, ગત વર્ષે ડુંગળીની 1.83 લાખ ક્વિન્ટલની આવક સામે અત્યારે 1.26 લાખ ક્વિન્ટલ આવક થઇ રહી છે. ડુંગળીની આ‌વક 30-40 % ઘટી છે.

Top