નકલી ડિગ્રી સર્ટિફિકેટ પર લંડન જતી યુવતીને ઇમિગ્રેશન વિભાગે ઝડપી 
aditay

12-1350.jpg
December 01,2019 124

નકલી ડિગ્રી સર્ટિફિકેટ પર લંડન જતી યુવતીને ઇમિગ્રેશન વિભાગે ઝડપી

 અમદાવાદ: બોગસ પાસપોર્ટ પર વિદેશ જતા અનેક મુસાફરો ઝડપાઇ ચૂક્યા છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી બોગસ ડિગ્રી પર વિદેશ જતા વિદ્યાર્થીઓ ઝડપાવાના કિસ્સામાં સતત વધારો થઇ રહ્યો છે. ગઇકાલે ઇમિગ્રેશન વિભાગે એક એવી યુવતીને પકડી છે જે નકલી ડિગ્રી સર્ટિફિકેટ પર લંડન જતી હતી. એરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગે અમદાવાદની યુવતીને પોલીસને સોંપી હતી. પોલીસ પૂછપરછમાં યુવતીએ કબૂલ કર્યું હતું કે, તેણે આ બોગસ સર્ટિફિકેટ રૂ. 2.50 લાખ આપી રાહુલ ત્રિવેદી નામના યુવક પાસે બનાવડાવ્યું હતું. જેથી પોલીસે રાહુલની પણ શોધખોળ હાથધરી છે. બીજી તરફ પોલીસે યુવતીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

અમદાવાદ એરપોર્ટ પરથી લંડનની ફ્લાઇટ રવાના થાય તે પહેલા મુસાફરો ઇમિગ્રેશન કાઉન્ટર પર પોતાના ડોક્યુમેન્ટ બતાવી રહ્યા હતા તેવામાં નિકોલમાં રહેતી ધરતી પટેલનો વારો આવતા તેણે સ્ટુડન્ટ વિઝા પર જવા માટે આપેલા તમામ ડોક્યુમેન્ટ બતાવ્યા હતા. ઇમિગ્રેશન વિભાગને ધરતીની માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ પર શંકા ગઈ હતી. અધિકારીઓએ આ બાબતે તપાસ કરતા ધરતીનું ડિગ્રી સર્ટિફિકેટ અને માર્કશીટ નકલી નીકળ્યા હતા.બાદમાં ઇમિગ્રેશન અધિકારીઓએ એરપોર્ટ પોલીસને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી. પોલીસે તપાસ કરી તો વિઝા એજન્ટ રાહુલ ત્રિવેદીએ આ ડુપ્લિકેટ નર્સિંગ સર્ટિફિકેટ ઈશ્વર સરન પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજ, અલાહાબાદ યુનિવર્સિટીમાંથી બનાવી આપ્યું હતું. આ ડુપ્લિકેટ સર્ટિફિકેટ અને માર્કશીટ બનાવવા યુવતી ધરતી પટેલે 2.50 લાખ આપ્યાં હોવાનું ખૂલ્યું હતું. પોલીસે આરોપી ધરતી સામે આઇપીસી 406, 467, 468, 120 બી,114, 471 મુજબ ગુનો દાખલ કર્યો છે. બીજી તરફ, પોલીસે એજન્ટ રાહુલ ત્રિવેદીની શોધખોળ હાથ ધરી છે. નોંધનીય છે કે, આ પહેલાં પણ બોગસ ડિગ્રી પર વિદેશ જતા ચાર વિદ્યાર્થીને ઝડપી પાડ્યા હતા. પરંતુ તેમના એજન્ટને શોધવામાં પોલીસને સફળતા મળી ન હતી. આરોપીઓને ગણતરીના દિવસોમાં જામીન મળી ગયા હતા.

Top