169 મત સાથે ઉદ્ધવ ઠાકરે સરકારે બહુમત મેળવ્યો, ભાજપના ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું, 
images_(3)-1349.jpg
November 30,2019 64

169 મત સાથે ઉદ્ધવ ઠાકરે સરકારે બહુમત મેળવ્યો, ભાજપના ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું,

મુંબઈ: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વનાવાળી સરકારે વિધાનસભામાં ફલોર ટેસ્ટ દરમિયાન પોતાનું બહુમત સાબિત કરી દીધું છે. નવી રચાયેલી ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળની મહા વિકાસ અઘાડી સરકારની તરફેણમાં 169 ધારાસભ્યોએ મત આપ્યા હતા. કુલ 288 ધારાસભ્યોનું સંખ્યાબળ ધરાવતા ગૃહમાં 169 ધારાસભ્યોએ તરફેણમાં મત આપતા બહુમત પુરવાર થઈ ગયું હતું. જ્યારે ચાર ધારાસભ્યોએ કોઈ પણને મત આપ્યો નહતો. ભાજપના સભ્યોએ વોકઆઉટ કર્યું હતું જેને પગલે સરકાર વિરુદ્ધ એકપણ મત પડ્યો નહતો.

કોંગ્રેસના નેતા અશોક ચવ્હાણે વિધાનસભામાં ઉદ્ધવ ઠાકરે સરકારના વિશ્વાસનો પ્રસ્તાવ રાખ્યો હતો. આ પ્રસ્તાવ માટે એનસીપીના નવાબ મલિક અને શિવસેનાના સુનીલ પ્રભુએ મંજૂરી આપી હતી. પ્રોટેમ સ્પીકર દિલીપ પાટીલે ગૃહની કાર્યવાહી શરૂ કરી હતી અને વિશ્વાસ મત પૂર્વે તમામ ધારાસભ્યોનો મત જાણવામાં આવ્યો હતો અને તેમની માથાદીઠ સંખ્યા ગણવામાં આવી હતી. મહારાષ્ટ્ર વિધાનસભામાં સરકારને બહુમત પુરવાર કરવા માટે 145 ધારાસભ્યોના મતની જરૂર હતી જેની સામે મહા વિકાસ અઘાડી સરકારની તરફેણમાં 169 મત પડ્યા હતા જેને પગલે જરૂર કરતા વધુ બહુમત હોવાનું પુરવાર થયું હતું.દરમિયાન ભાજપના ધારાસભ્યોએ સત્રને નિયમ મુજબ નહીં બોલાવવાના મુદ્દે વોકઆઉટ કર્યો હતો. ભાજપના ધારાસભ્યોએ ‘દાદાગીરી નહીં ચાલે, નહીં ચાલે’ના સૂત્રો પોકાર્યા હતા અને ગૃહની બહાર ચાલ્યા ગયા હતા. ગૃહમાંથી બહાર આવીને દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, પ્રોટેમ સ્પીકરની નિયુક્તિ ખોટી રીતે કરવામાં આવી છે. આ ઉપરાંત મંત્રીઓએ જે શપથ લીધી છે તે ખોટી છે. કોઈએ સોનિયા ગાંધી તો કોઈએ બાલાસાહેબ ઠાકરેના નામ પર શપથ લીધા હતા જે ખોટું છે. ફડણવીસે વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું કે ફ્લોર ટેસ્ટ નિયમિત અધ્યક્ષની નિમણૂક બાદ હાથ ધરાતો હોય છે. પરંતુ આ સરકાર ડરેલી હોવાથી આવું કર્યું છે. ફડણવીસે જણાવ્યું કે અમે રાજ્યપાલને આ મુદ્દે પત્ર સોંપીશું અને ગૃહની કાર્યવાહીને રદ કરવા દરખાસ્ત કરીશું.

Top