પ્રજ્ઞા ઠાકુરેમાફી માગતા કહ્યું ‘મારા નિવેદનને તોડી-મરોડીને રજૂ કરાયું છે’ 
999-1346.jpg
November 29,2019 134

પ્રજ્ઞા ઠાકુરેમાફી માગતા કહ્યું ‘મારા નિવેદનને તોડી-મરોડીને રજૂ કરાયું છે’

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસેને સંસદમાં દેશભક્ત ગણાવવાના નિવેદન પર ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે લોકસભામાં માફી માગી લીધી છે. પાર્ટીની સંસદીય બેઠક અને સુરક્ષા સલાહકાર સમિતિમાંથી હકાલપટ્ટી કરાયા બાદ તેમણે ગૃહમાં માફી માગી છે. માફી માગતા તેમણે કહ્યું કે જો મારા જૂના કોઈ પણ નિવેદનના કારણે તમને કોઈને પણ દુ:ખ થયું હોય કે તમારી લાગણીઓને ઠેસ પહોચી હોય તો હું આ માટે તમારી માફી માગું છું. સાધ્વી પ્રજ્ઞાએ લોકસભામાં એક તરફ માફી માગી અને બીજીતરફ એમ પણ કહ્યું કે મારા નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવી રહ્યું છે. હું મહાત્મા ગાંધીના વિચારો અને દેશ પ્રત્યે તેમણે આપેલા યોગદાનનું સમ્માન કરું છું. સાધ્વી પ્રજ્ઞાના નિવેદન બાદ કોંગ્રેસના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. 

આ સાથે જ પ્રજ્ઞા ઠાકુરે નામ લીધા વગર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર તીખા પ્રહાર કરતા કહ્યું કે ગૃહના એક આદરણીય નેતાએ મને આતંકવાદી કહી હતી. મારા વિરુદ્ધ એક પણ આરોપ સાબિત નથી થયો તેમ છતા પણ મારા પર આવા આરોપ લગાવવા તે એક મહિલાનું અપમાન છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આજે પ્રજ્ઞા ઠાકુરને પ્રશ્ન કાળ બાદ સદનમાં બોલવા માટે સંકેત કર્યો હતો. સંસદમાં કોંગ્રેસ સહિત વિપક્ષી સભ્યોએ પ્રજ્ઞા દ્વારા નાથુરામ ગોડસે પર આપેલા વિવાદાસ્પદ નિવેદનનો મુદ્દો ઉઠાવ્યો હતો. લોકસભા અધ્યક્ષે પ્રજ્ઞાનું નામ લીધા વગર કહ્યું કે, સાંસદને 12 વાગ્યે ગૃહમાં હાજર રહેવા માટે જાણ કરવી. 

Top