ખંભાળિયા નજીક નિશા ગોંડલિયા પર બે રાઉન્ડ ફાયરિંગ, હોસ્પિટલમાં દાખલ 
52525-1343.jpg
November 29,2019 172

ખંભાળિયા નજીક નિશા ગોંડલિયા પર બે રાઉન્ડ ફાયરિંગ, હોસ્પિટલમાં દાખલ

જામનગર: બિટકોઈન કેસ અને જામનગરના ભૂમાફિયા જયેશ પટેલને લઈને કેટલાક ચોંકવાનારા ખુલાસા કરવાથી ચર્ચામાં આવેલી વ્હિસલબ્લોઅર નિશા ગોંડલીયા પર બપોરે દ્વારકા જિલ્લાના ખંભળિયા પાસે આરાધનાધામ નજીક બે રાઉન્ડ ફાયરિંગ કરાતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. નિશા ગોંડલિયાની કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં તેને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખંભાળિયા સ્થિત હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. નિશા ગોંડલિયા પર ફાયરિંગની ઘટનાને પગલે ખંભાળિયા પોલીસ સહિત એલસીબીની ટીમે આરાધનાધામ નજીક આવેલી હોટલના સીસીટીવી ફુટેજ તપાસીને પગેરું મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે. પોલીસે આ અંગે વધુ ખુલાસા કરે ત્યારબાદ ફાયરિંગ કોણે અને શા માટે કર્યું છે તે જાણી શકાશે.

નિશા બપોરના સમયે જામનગરથી ખંભાળિયા જઈ રહી હતી ત્યારે તેની કાર પર અન્ય વાહનમાં આવેલા અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. એક શખ્સે રીવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની વિગતો મળી છે. નિશા ગોંડલીયા બે મહિના પહેલાં વાલ્કવેશ્વરી નગરીમાંથી જતાં હતાં ત્યારે બાઈક પર આવેલા બે શખ્સોએ ફાયરીંગ કરવાનો પ્રયાસ કરવાની ફરીયાદ પોલીસમાં નોંધાવી હતી. તે ઉપરાંત નિશાએ પોતાના બનેવીના મોબાઈલમાંથી કરોડો રૂપિયાના બિટકોઈન જયેશ પટેલે પડાવી લીધાની પણ રાજકોટ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. બિટકોઈન મામલે ઘટસ્ફોટ કરનાર નિશાએ જામનગર જિલ્લા કલેક્ટરને એક આવેદન આપીને બિલ્ડર જયેશ પટેલ તેની હત્યા કરાવી શકે છે તેવું આવેદનપત્ર પણ આપ્યું હતું.

Top