આદિપુરની એક બાળકીનું ડેન્ગ્યુના રોગથી શંકાસ્પદ મૃત્યુ 
dengue-kutch-1260.jpg
November 04,2019 154

આદિપુરની એક બાળકીનું ડેન્ગ્યુના રોગથી શંકાસ્પદ મૃત્યુ

ગાંધીધામ : આદિપુરમાં છેલ્લા મહિનાથી ડેન્ગ્યુનો રોગ વકરી રહ્યો છે. ખાસ કરીને આદિપુરમાં તો ડ્રેનેજલાઇન બેસી જતાં સર્જાયેલી સ્થિતિના પગલે ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળ્યા છે. ગટરના ગંદા પાણીનો નિકાલ કરવામાં તંત્ર નિષ્ફળ જતાં લોકોમાં રોષની લાગણી જન્મી હતી. આદિપુર સંકુલમાં ડેન્ગ્યુના રોગના ભરડામાં સપડાયેલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જ્યારે બીજી તરફ આજે આદિપુરની એક બાળકીનું ડેન્ગ્યુના રોગથી મૃત્યુ થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. જોકે, સત્તાવાર રીતે તેને સમર્થન મળતું નથી.

છેલ્લા કેટલાય સમયથી ડેન્ગ્યુએ માઝા મુકી છે. રોગચાળો ફાટી ન નિકળે તે માટે પગલા લેવાને બદલે નગરપાલિકા દ્વારા અપનાવવામાં આવેલી નબળી નીતિને કારણે રોગનું પ્રમાણ વધી રહ્યું છે. બન્ને જોડીયા શહેરમાં ડેન્ગ્યુના રોગ પણ ઠેર ઠેર દેખાઇ રહ્યા છે. અંદાજે 50થી વધુ કેસ હોવાના સંકેત છે. જ્યારે સરકારી ચોપડે ઓછા દેખાડવામાં આવે છે. દરમિયાન રોગચાળાનો પંજો વિસ્તરતાં આરોગ્ય વિભાગ દ્વારા ઠેર ઠેર કેમ્પ યોજવામાં આવી રહ્યા છે.

તાવ, ઉધરશ, શરદી સહિતના કેસ અંગે પણ જુદા જુદા વિસ્તારમાં કેમ્પ કરીને લોકોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. દિનેશ સુતરીયાએ જણાવ્યું હતું કે, રિદ્ધિ ભટ્ટને બે દિવસથી તાવ આવતો હતો. ડેન્ગ્યુથી મોત થયું હોય તેવું જણાતું નથી. રિપોર્ટ કરાવ્યા બાદ ખ્યાલ આવશે. હાલ ગઇ કાલે પ્રાઇવેટ હોસ્પિટલમાં ડેન્ગ્યુના બે કેસ આવ્યા છે. જોકે, કેમ્પમાં કોઇ કેસ બહાર આવ્યા નથી. અત્યાર સુધી ડેન્ગ્યુથી કોઇનું મોત થયું હોય તેવી ઘટના બની ન હોવાનો તેણે દાવો કર્યો હતો.

Top