કરણી સેનાના રાપર બંધ સામે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત 
rapar-1259.jpeg
November 04,2019 222

કરણી સેનાના રાપર બંધ સામે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

રાપર : કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષ રાજસિંહ શેખાવતે રાપરની જાહેરસભામાં અનુસૂચિત જાતિના લોકો અંગે કરેલાં ઉચ્ચારણો સંદર્ભે શેખાવત સામે એટ્રોસીટીની કલમો તળે ફરિયાદ નોંધાવાઈ છે. બીજી તરફ, આ ફરિયાદ ખોટી હોવાનું જણાવી કરણી સેનાએ આજે રાપર બંધનું એલાન આપ્યું હતું. બંધના એલાન સંદર્ભે રાપરમાં કોઈપણ પ્રકારનો અનિચ્છનિય બનાવ ના બને અને જાહેર સુલેહ-શાંતિનો ભંગ ના થાય તે જોવા પૂર્વ કચ્છના એસપી અને અન્ય અધિકારીઓને બોર્ડર રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ સૂચના આપી હતી. જેથી આજે સવારથી જ રાપરમાં પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

પૂર્વ કચ્છ પોલીસવડા પરીક્ષિતા રાઠોડ, ભચાઉના નાયબ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલા, ગાંધીધામના નાયબ પોલીસ અધિક્ષક વી.આર.પટેલ, રાપર પોલીસ ઉપરાંત એલસીબી, અંજાર, ભચાઉ, લાકડીયા, સાયબર સેલ, કમાન્ડો ફોર્સના પીઆઈ-પીએસઆઇ, રેપીડ એક્શન ફોર્સ, એસઆરપીના જવાનો સમગ્ર રાપરમાં ખડકી દેવાયાં હતા. શહેરના દેનાબેંક ચોક, માલી ચોક, સલારીનાકા, મુખ્ય બજાર સહિતના વિસ્તારમાં પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બીજી તરફ, કરણી સેનાના આગેવાનોએ પોલીસ સાથે બેઠક યોજી કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિમાં સહકાર આપવાની ખાતરી આપી હતી. સેનાના હોદ્દેદારોએ મામલતદારને શાંતિપૂર્વક આવેદનપત્ર આપી પોતાનો વિરોધ દર્શાવી જે લોકોએ સ્વેચ્છાએ બંધ પાળ્યો હોય તેમના પગલાંને આવકાર આપ્યો હતો.

Top