નાની ચીરઈ નજીક ગત મધરાત્રે ફિલ્મી ઢબે ચાર જણની ગેંગે ટ્રકચાલકને લૂંટી લીધો હોવાનો બનાવ બન્યો 
CRIME-1257.jpg
November 04,2019 185

નાની ચીરઈ નજીક ગત મધરાત્રે ફિલ્મી ઢબે ચાર જણની ગેંગે ટ્રકચાલકને લૂંટી લીધો હોવાનો બનાવ બન્યો

ભચાઉ : નાની ચીરઈ નજીક હાઈવે પર ગત મધરાત્રે ફિલ્મી ઢબે ચાર જણની ગેંગે પથ્થરમારો કરી ટ્રકને થોભાવી, છરીની અણીએ ટ્રકચાલકને લૂંટી લીધો હોવાનો બનાવ બન્યો છે. મુંદરા પોર્ટ પરથી ટ્રકમાં ખાતર ભરીને સિધ્ધપુર જઈ રહેલી ટ્રકના ડ્રાઈવરને ચાર જણે છરી બતાડી તેનો 10 હજારની કિંમતનો મોબાઈલ ફોન અને સાડા 4 હજારની રોકડ લૂંટી લીધી હતી. ડ્રાઈવર અશોક માતંગ ક્લિનર દિલીપસિંહ સાથે સિધ્ધપુર જતો હતો ત્યારે નાની ચીરઈના પુલીયા પાસે મધરાત્રે અચાનક ટ્રકની સાઈડના ભાગે પથ્થરમારો થયો હતો.

પથ્થરો ટ્રકમાં અફળાતાં ટ્રકમાં કાંઈક ખરાબી લાગે છે તેમ માની અશોકે ચેક કરવા રોડની સાઈડમાં ટ્રક થોભાવી હતી. ત્યાં જ 25થી 30 વર્ષની વયના ચાર જણાં બાવળોની ઝાડીમાંથી અચાનક તેના પર ધસી આવ્યા હતા. અશોકને છરી બતાડી તેનો વીવો કંપનીનો 10 હજારનો મોબાઈલ ફોન અને 4500ની રોકડ ભરેલું પર્સ લૂંટી લીધા હતા. ચારેયને જોઈ ક્લિનર ગભરાઈને નાસી ગયો હતો. લૂંટ આચરી ચારેય જણાં અંધારામાં ઓઝલ થઈ ગયા હતા. ત્યારબાદ અશોક ટ્રક ચાલું કરી રસ્તે નાસી રહેલાં ક્લિનરને ટ્રકમાં બેસાડી નજીકના રિલાયન્સ પેટ્રોલ પંપ પર આવ્યો હતો. સમગ્ર ઘટના અંગે ભચાઉ પોલીસને લૂંટના બનાવ અંગે જાણ કરી હતી. પોલીસે રાત્રે ફરિયાદ નોંધી ચારેય અજ્ઞાત ઈસમોને પકડી પાડવા તપાસ શરૂ કરી હતી.

Top