પ્રજાના આદેશ મુજબ અમારી પાર્ટી વિપક્ષમાં બેસવા માગે છે : શરદ પવાર 
SHaradPawar-1250.jpg
November 02,2019 115

પ્રજાના આદેશ મુજબ અમારી પાર્ટી વિપક્ષમાં બેસવા માગે છે : શરદ પવાર

મુંબઇ : મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની ખેંચતાણ વચ્ચે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે મોટું નિવેદન આપ્યું છે. શરદ પવારે જણાવ્યું છે કે પ્રજાએ તેમની પાર્ટીને વિપક્ષમાં બેસવા માટે જનાદેશ આપ્યો છે અને પાર્ટી પ્રજાના ઇશારા પર જ કામ કરશે. રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસના સમર્થન દ્વારા શિવસેનાની સરકાર બનાવવાની સંભાવના અંગે સવાલ કરાતા શદર પવારે જણાવ્યું હતું કે, અમારી પાસે બહુમતિ નથી. પ્રજાએ અમને વિપક્ષમાં બેસવાનો આદેશ આપ્યો છે. અમે જનાદેશનો સ્વીકાર કરીએ છીએ અને અમે વિપક્ષની ભૂમિકાને સારી રીતે નિભાવીશું.

શિવસેનાના 50-50 ફોર્મ્યૂલા અંગે વાત કરતા પવારે જણાવ્યું હતું કે, પ્રજાએ તેમને સરકાર બનાવવાની તક આપી છે. તેમણે આનો ઉપયોગ કરવો જોઇએ. પરંતુ હાલ જે ચાલી રહ્યું છે મારા મતે તે બાળકવૃતિ છે. શિવસેનાના નેતા સંજય રાવતની શરદ પવાર સાથેની મુલાકાત બાદ મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી અને કોંગ્રેસની સરકાર બનવાની અટકળો લાગી રહી હતી. પરંતુ શરદ પવારના વિપક્ષમાં બેસવાની વાત પરથી શિવસેનાના એક વિકલ્પનો છેદ ઉડી ગયો છે.

કોંગ્રેસના સાંસદ હુસૈન દલવઇએ શિવસેના સાથે મળીને ગઠબંધન સરકાર બનાવવા અંગે સમર્થન આપ્યું છે. તેમણે આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો છે. પત્રમાં દલવઇએ લખ્યું છે કે, કોંગ્રેસે સરકાર બનાવવા માટે શિવસેનાને સમર્થન આપવું જોઇએ. કોંગ્રેસના ઉમેદવાર પ્રતિભા પાટીલ અને પ્રણવ મુખરજીને રાષ્ટ્રપતિ બનાવવામાં શિવસેનાએ કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. તેથી હવે મહારાષ્ટ્રમાં કોંગ્રેસે પણ શિવસેનાનું સમર્થન કરવું જોઇએ.

Top