દિલ્હીમાં હેલ્થ ઇમરજન્સી, શાળાઓ બંધ, એર ક્વોલિટી ઇન્ડેક્સ 459 સુધી પહોંચ્યો 
DELHI-POLLUTION-1246.jpg
November 02,2019 128

દિલ્હીમાં હેલ્થ ઇમરજન્સી, શાળાઓ બંધ, એર ક્વોલિટી ઇન્ડેક્સ 459 સુધી પહોંચ્યો

નવી દિલ્હી,

ધુમાડાના આવરણ હેઠળ ફસાયેલી રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ઇમરજન્સીની કેટેગરીમાં પહોંચી ગયું છે. શુક્રવારે એર ક્વોલિટી ઇન્ડેક્સ 459 થઈ ગયો હતો. કેટલાક વિસ્તારોમાં તો 500 સુધી પહોંચી ગયો હતો. દિલ્હીમાં રહેતા 2 કરોડ લોકો માટે આ પરિસ્થિતિ આરોગ્યની રીતે અત્યંત ખરાબ છે. સુપ્રીમકોર્ટ દ્વારા રચાયેલી પર્યાવરણ પ્રદૂષણ નિયંત્રણ ઓથોરિટીએ શુક્રવારે પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરી દીધી હતી. તમામ શાળા 5 નવેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ અપાયો છે. સમગ્ર શિયાળા દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે. લોકોને ખુલ્લામાં ફરવા કે કસરત નહીં કરવાની સલાહ અપાઈ છે. શહેરમાં લોકો માસ્ક લગાવીને ફરી રહેલા નજરે પડે છે. ચાલુ વર્ષના જાન્યુઆરી પછી 9 મહિનામાં પ્રથમવાર દિલ્હીનું પ્રદૂષણ આટલા ખતરનાક સ્તરે પહોંચી ગયું છે.

દિલ્હી એનસીઆરમાં 5 નવેમ્બર સુધી બાંધકામ કાર્ય પર પણ પ્રતિબંધ લગાવાયો છે. હોટ મિક્સ અને સ્ટોન ક્રશર પ્લાન્ટ બંધ રહેશે. રસ્તા પર મશીનથી કચરો સાફ કરવાની સાથે પાણી પણ છાંટવામાં આવી રહ્યું છે. પ્રદૂષણ ફેલાવતી સરકારી એજન્સી ફ્રેટ કોરિડોર કોર્પોરેશન અને લાર્સન એન્ડ ટ્રુબ્રો સહિત કંપનીઓ પર દંડ પણ લગાવાયો છે.

Top