સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પહેલીવાર છ વર્ષમાં દેશમાં 90 લાખ નોકરીઓ ઘટી 
1572669370440-1244.png
November 02,2019 87

સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પહેલીવાર છ વર્ષમાં દેશમાં 90 લાખ નોકરીઓ ઘટી

 

દેશમાં રોજગારીના મામલે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે, દેશમાં છેલ્લાં છ વર્ષમાં 90 લાખ નોકરીઓ ઘટી ગઈ છે અને આ ઘટના સ્વતંત્ર ભારતમાં બનેલી સૌથી ખરાબ ઘટના છે, તેમ અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના સેન્ટર ઓફ સસ્ટેનેબલ એમ્પ્લોયમેન્ટમાં પ્રકાશિત એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે આઝાદ ભારતમાં પહેલી વખત એવું બન્યું છે કે એક સાથે આટલાં વર્ષોમાં આટલી બધી નોકરીઓમાં ઘટાડો જોવા મળ્યો હોય. આ આંકડાઓ વર્ષ 2011-12 અને 2017-18ના વર્ષ વચ્ચેના છે. 

બીજી રીતે જોઈએ તો 2011-12 અને 2017-18ની વચ્ચે દર વર્ષે લગભગ 26 લાખ લોકોની નોકરી જતી રહી છે. આ રિપોર્ટ સંતોષ મેહરોત્રા અને જે કે પારિદાએ સેન્ટર ઓફ સસ્ટેનેબર એમ્પ્લોયમેન્ટ માટે તૈયાર કર્યો છે. બંનેએ તેમાં લખ્યું છે કે વર્ષ 2011-12 અને 2017-18ના વર્ષમાં કુલ 90 લાખ નોકરીઓમાં કમી આવી છે. મેહરોત્રા જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે જ્યારે પારિદા પંજાબ વિશ્વ વિદ્યાલયમાં પ્રોફેસર છે. 

થોડા દિવસો પહેલાં સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી(CMIE)નો રિપોર્ટ આવ્યો હતો જેમાં એવું કહેવાયું હતું કે, આ વર્ષે મે અને ઓગસ્ટ મહિનાની વચ્ચે દેશમાં 40 કરોડ 49 લાખ લોકો પાસે નોકરી હતી. જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન 40 કરોડ 24 લાખ લોકો પાસે નોકરી હતી. CMIEના રિપોર્ટમાં જોકે, સ્પષ્ટ કહેવાયું હતું કે દેશમાં રોજગારી ફક્ત અને ફક્ત કૃષિ ક્ષેત્રમાં વધી છે, અન્યત્ર નહીં. 

Top