અરબી સમુદ્રમાં ‘મહા’ વાવાઝોડું સક્રીય, દીવમાં 6 કલાકમાં 10 ઇંચ વરસાદ 
maha-news-1243.jpg
November 02,2019 199

અરબી સમુદ્રમાં ‘મહા’ વાવાઝોડું સક્રીય, દીવમાં 6 કલાકમાં 10 ઇંચ વરસાદ

અરબી સમુદ્રમાં ‘મહા’ વાવાઝોડું સક્રીય થયું છે, જેની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. અમરેલી, ગીર-સોમનાથ જિલ્લામાં અનેક પંથકોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને દરિયો તોફાની બન્યો છે. અરબી સમુદ્રમાં વાવઝોડું 9 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. 5 અને 7 નવેમ્બર સૌરાષ્ટ્રના વેરાવળ અને કોડિનાર વચ્ચે 70થી 80 કિમી પ્રતિકલાકની ઝડપે ત્રાટકશે. વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દક્ષિણ ગુજરાતમાંના અનેક જિલ્લાઓમાં મહા વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળશે. દીવમાં મોડીરાતથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. માહિતી પ્રમાણે છેલ્લા 6 કલાકમાં દીવમાં ધોધમાર 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે.

અમરેલી જિલ્લાના રાજુલા સહિત જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં ‘મહા’ વાવાઝોડાની અસર જોવા મળી છે. એક બાજુ ભારે પવન ફૂંકાઇ રહ્યો છે, તો ઉના, સરોવડા, કડીયાળી, બલાણામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સાથે જ નવાબંદર સહિત રાજપરાના દરિયાકાંઠે રહેતા માછીમારોને વરસાદને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ તેમને લાખો રૂપિયાનું નુકસાન પણ થયું છે. દરિયાકિનારાની વાત કરવામાં આવે તો જાફરાબાદ બંદર, શિયાળબેટ, પીપાવાવ સહિતના દરિયાકાંઠે દરિયામાં વાવાઝોડાને પગલે ઊંચા મોજાં ઊછળી રહ્યાં છે અને દરિયો તોફાની બન્યો છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે વાવાઝોડાની વધારે અસર જોવા મળી શકે છે.

Top